Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વાસુ હેલ્થકેરે 'ઇતની શકિત' પ્રાર્થના ગીતના ગાયિકા પુષ્પા પગધારેને સન્માનિત કર્યા

વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ડિરેકટર શ્રી સાગર પટેલ 'ઇતની શકિત' ગીતના ગાયિકા શ્રીમતી પુષ્પા પગધરેને ચેક અર્પણ કરી રહ્યા છે

અમદાવાદ, તા.૧૨: કલાકારોના પ્રદાનની કદર કરવા અને જરૂરિયાતના સમયમાં તેમને મદદ કરવાના આશયથી વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે  'ઇતની શકિત' પ્રાર્થના ગીતના ગાયિકા શ્રીમતી પુષ્પા પગધારેને સન્માનિત કર્યા હતા. તેમના પ્રદાનની સરાહના કરતા વાસુ હેલ્થકેરે રૂ.એક લાખના ચેક સાથે તેમને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.પુષ્પા પગધરેએ ૮ ભારતીય ભાષામાં ૫૦૦થી વધુ ગીતોને સ્વર આપ્યો છે. 'ઇતની શકિત હમેં દે ના દાતા' એ ૧૯૮૬માં રજૂ થયેલી ફિલ્મ 'અંકુશ' લોકપ્રિય ગીત છે. આ ગીત કુલદીપસિંહે કમ્પોઝ કર્યું હતું  તેના ગીતો અભિલાષે લખ્યા હતા.

વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ડિરેકટર શ્રી સાગર પટેલે જણાવ્યું હતું કે 'ઇતની શકિત' પ્રાર્થનાગીત દરેક વાસુધર (વાસુ હેલ્થકેરના કર્મચારીઓ)ના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. અમારી કંપની ૧૧ કરતાં પણ વધુ વર્ષોથી આ પ્રાર્થનાગીત સાથે લાગણીથી જોડાયેલી છે અને વાસુ હેલ્થકેરના બધા જ એકમો એટલે કે પ્લાન્ટ, કોર્પોરેટ ઓફિસ અને આરએન્ડડી વિભાગમાં નિયમિત પ્રાર્થનારૂપે આ ગીત ગવાય છે. શ્રીમતી પુષ્પા પગધરેની ખરાબ આર્થિક સ્થિતિ અંગે અમે મીડિયા રિપોર્ટ્સમાં જાણ્યું અને મદદ માટે તેમના સુધી પહોંચવાનો નિર્ણય લીધો.જરૂરિયાતમંદને મદદ કરવી એ ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં ઊંડે સુધી વ્યાપેલો ખ્યાલ છે. એક જવાબદાર નાગરિક તરીકે તે આપણી ફરજ પણ છે. અન્ય કલાકારો, સામાજિક કાર્યકરો તથા જરૂરિયાતમંદ લોકોની ઓળખ કરી તેમને મદદ પૂરી પાડવા વાસુ હેલ્થકેર કોર્પોરેટ કંપનીઓ, વ્યકિતઓ તથા સંસ્થાઓને અપીલ કરે છે.

૧૯૮૦માં સ્થપાયેલી વાસુ હેલ્થકેર હર્બલ કોસ્મેટિકસ, પર્સનલ કેર, ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ સાથે સંકળાયેલી ભારતની અગ્રણી કંપની છે અને આયુર્વેદ પ્રિસ્ક્રીપ્શન માર્કેટમાં ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીએ આયુર્વેદના સમૃદ્ઘ વારસા તથા મજબૂત સંશોધન-વિકાસ ક્ષમતાઓના આધાર પર યુરોલોજી, ઓર્થોપેડિકસ, પીડિયાટ્રિકસ, ગાયનેકોલોજી, રેસ્પિરેટરી સહિતના સેગમેન્ટ્સમાં ૨૦૦થી વધુ પ્રોડકટ્સ વિકસાવી છે.

(3:19 pm IST)