Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઉત્તર ભારતીયો ઉપર હૂમલાની ઘટના બાદ પરપ્રાંતિયોઅે સ્‍થળાંતર કરતા અમદાવાદમાં અનેક લોકપ્રિય પાણીપુરીના સ્‍ટોલ બંધ પડી ગયા

અમદાવાદઃ રોડ સાઈડ પાણીપુરી અને ભેળ ખાવાના શોખીન અમદાવાદીઓ માટે એક ખરાબ સમાચાર છે. ઉત્તર ભારતીયો પર હુમલાની ઘટના બાદ પરપ્રાંતીયોએ સ્થળાંતર કરતા અમદાવાદમાં અનેક લોકપ્રિય પાણીપુરી સ્ટોલ બંધ પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનના ભૈય્યાઓ પાણીપુરીના બિઝનેસમાં વર્ચસ્વ ધરાવે છે. સીજી રોડ પર છેલ્લા 35 વર્ષથી પાણીપુરીનો ધંધો કરતા જસરામ અને બિટ્ટુ યાદવનું ઉદાહરણ લઈ લો. પિતા-પુત્રની જોડીને તેમના પરિવાર સાથે ગુજરાત છોડી જવાની ફરજ પડી છે. લોકો સીજી રોડ નજીક રબારી નિવાસમાં રહે છે અને છેલ્લા 40 વર્ષથી તેમનો પરિવાર ગુજરાતમાં રહે છે.

ધંધામાં વેઠવુ પડ્યું છે મોટુ નુકસાનઃ

યાદવ જ્યાં પાણીપુરીનો ધંધો કરે છે તેની નજીક નાસ્તાની લારી ચલાવનાર ભૂપેન્દ્રસિંહ યાદવ કહે છે, “મહિના પહેલા કોર્પોરેશને દબાણો હટાવતા અમારા ધંધાને નુકસાન થયુ હતુ. હવે પરપ્રાંતીયો પર હુમલા શરૂ થવાને કારણે ટેન્શન ઊભુ થયુ છે. ગુજરાતી હોય તેવા લોકો માટે ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો છે. યાદવ 4 ઓક્ટોબરે તેમના પરિવાર સાથે સ્થળાંતર કરી ગયા છે. થોડા દિવસમાં તે પાછા ફરશે તેવી આશા છે. પરંતુ કદાચ તે પરિવારને ત્યાં મૂકીને આવશે કારણ કે તે બધાના જીવ જોખમમાં મૂકવા નથી માંગતા.” જાદવ જણાવે છે, “જસરામ ભાઈ હંમેશા ગર્વથી કહેતા કે તે છેલ્લા 35 વર્ષથી લો ગાર્ડન પાસે કેવી રીતે ધંધો કરી રહ્યા છે. તે હંમેશા ગુજરાતના આભારી રહ્યા છે. પરંતુ આપણે તેમની સાથએ યોગ્ય વર્તન નથી કર્યું. લારી વાળાઓ રોજેરોજનું ગુજરાન ચાલે એટલું માંડ કમાતા હોય છે. પરિસ્થિતિ તેમના માટે યોગ્ય નથી.”

પરિસ્થિતિ ક્યારે થાળે પડશે?

અમદાવાદીઓ સાંજ પડે ત્યારે ફેમિલી સાથે કાં તો ફ્રેન્ડ્સ સાથે પાણી પુરી ખાવા નીકળી પડે છે. જો કે હવે ગલી-ગલીમાંથી પાણીપુરી વાળા ગાયબ થઈ રહ્યા છે. મોટાભાગના પોતાના વતન જઈ રહ્યા છે અને ગુજરાત પાછા ફરવા માટે પરિસ્થિતિ થાળે પડે તેની રાહ જોઈ રહ્યા છે. ગુરુકુળ રોડ પર પાણીપુરી સ્ટોલ ચલાવતા વિજય પાઘેલ પાંચ દિવસ પછી પાછા ફર્યા છે. તે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના સરિયાર ગામમાં રહે છે. તે દિવસના 5000 રૂપિયાનો ધંધો કરે છે. પાંચ દિવસ ખાડો પડતા તેમને 30,000નું નુકસાન થઈ ગયુ છે. તે જણાવે છે, “મારો ભાઈ અને હું છેલ્લા 30 વર્ષથી લારી ચલાવીએ છીએ પરંતુ પહેલી વાર અમારા માટે ભયજનક માહોલ ઊભો થયો છે. અમારા અસોસિયેશને અમને ધંધો બંધ કરીને થોડા દિવસ માટે જતા રહેવા કહ્યું હતું.”તેમની સાથે બીજા ત્રણ જણએ પણ બિઝનેસ ચાલુ કર્યો છે પરંતુ જો પરિસ્થિતિ વણસશે તો તેમને ધંધો બંધ કરવાનો વારો આવશે. તે જણાવે છે, “હવે અમે સુરક્ષિત અનુભવીએ છીએ અને અમારે ગામ પાછા જવાની કોઈ જરૂર જણાતી નથી.”

ભવિષ્ય ધૂંધળુઃ

પરપ્રાંતીયો પર હુમલાને કારણએ તેમના બિઝનેસને તો અસર થઈ છે પણ સાથે સાથે તેમનું જીવન પણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. તેમાં ખાસ કરીને ગાંધીનગરના લારી વાળાઓનો સમાવેશ થાય છે. પાણીપુરીવાળા ગંગોત્રી જુગ્નુ જણાવે છે, અમે પાંચ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ છોડ્યું અને અણે વધારે સારી કમાવાની તકો માટે ગાંધીનગર સ્થાયી થયા. મને ક્યારેય વિચાર નહતો આવ્યો કે મારે જીવનમાં આવા દિવસો જોવા પડશે. અમારા ઘરમાલિકે અમને રૂમ ખાલી કરી દેવા જણાવ્યું છે. અમને અહીં સુરક્ષિત નથી લાગતુ. હું રોજ ચાટ અને પાણીપુરી વેચીને 500 રૂપિયા નફો કમાતો હતો પરંતુ હવે અમારી કમાઈ શૂન્ય થઈ જશે. મારી પત્ની, હું અને બે બાળકો બસમાં ઉત્તર પ્રદેશ જવા નીકળી જશું.

ચાટ સ્ટોલમાં તોડફોડને કારણે ગભરાટઃ

થલતેજમાં ટોળાએ બિરજુ વિશ્વકર્માનો ચાટ સ્ટોલ તોડી નાંખવાની કોશિશ કરી હતી. બિરજુ વિશ્વકર્મા કહે છે, “હું મારા વતન ભાગલપુરથી અમદાવાદ કમાવાની સારી તકો જોઈને આવ્યો હતો. છેલ્લા કેટલાંય વર્ષોથી ગુજરાત બિહાર અને ઉત્તરપ્રદશના પરપ્રાંતીયોની કર્મભૂમિ બની ગઈ છે. જો કે છેલ્લા થોડા દિવસમાં જે થયુ તેણે બધુ બદલી નાંખ્યું છે. મારી લારી પર તોડફોડ કરીને ટોળાએ મને જગ્યા છોડી દેવાની ધમકી આપી હતી.” તેની પત્ની દક્ષા જણાવે છે, “જે ગુનેગાર છે તેને સજા આપો. કોઈ બીજાની ભૂલ માટે અમારા પર શા માટે હુમલા થઈ રહ્યા છે? અમારે નાના બાળકો છે અને હવે અમને અહીં બધુ છોડીને ગામ જતા રહેવાની ફરજ પડી છે.”

(5:57 pm IST)
  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST