Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગુજરાતમાં દારૂબંધીની ટુરિઝમ પોલિસી સામે મોટી રૂકાવટ છેઃ વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડનું નિવેદન

વડોદરા: હજી ગઈકાલે જ ગુજરાત સરકારે રાજ્યની હેરિટેજ ટુરિઝમની પોલિસી જાહેર કરી છે. જેથી ગુજરાતના પ્રવાસન વિભાગને વેગ મળે. પરંતુ ટુરિઝમ પોલિસી અંગે વડોદરાનાં મહારાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ ગુજરાતમાં દારૂબંધીની ટુરિઝમ પોલિસી સામે મોટી રુકાવટ હોવાનું બતાવ્યું છે.

ગુજરાતનું ટુરિઝમ ડ્રાય સ્ટેટને કારણે પાછળ છે

સરકાર સાથેના વેબિનારમાં તેઓએ આ નિવેદન આપ્યું છે. નવી ટુરિઝમ પોલિસી અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું કે, ટુરિઝમ પોઈન્ટથી જોઈએ તો રાજસ્થાન વધુ પોપ્યુલર છે. રાજસ્થાનમાં સૌથી વધુ ટુરિસ્ટ આવે છે. ગુજરાતમાં પણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આર્કિટેક્ચર છે. ડ્રાય સ્ટેટ હોવાથી ગુજરાતમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવશે. ગુજરાત પાસે મહેલો-કિલ્લાઓનો ભવ્ય વારસો છે. આ મહેલો ભવ્ય હોટલોમાં બદલી શકે છે, પરંતુ તેમાં દારૂબંધી મોટું નડતર છે. રાજસ્થાનમાં ટુરિઝમની સફળતાનું કારણ દારૂબંધીની છૂટછાટ છે. રાજસ્થાન આવતાં પ્રવાસી વાઇનનો ગ્લાસ લઇને બેસી શકે છે. પરંતુ દારૂબંધી હોવાને કારણે કોઈ ટુરિસ્ટ લક્ઝુરિયસ ટ્રાવેલ નહિ અનુભવી શકે. અહીં રાજસ્થાનની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવા પણ અશક્ય છે. દારૂબંધીને કારણે ગુજરાતમાં ટુરિઝમ યોગ્ય રીતે વિકસી નહિ શકે. 

સરકારે ગઈકાલે જાહેર કરી નવી ટુરિઝમ પોલિસી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. નવી હેરિટેજ ટુરીઝમ પોલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સાથે જ રાણી કી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે. આ પોલિસીથી રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. સાથે જ વિદેશી હુંડિયામણ પણ મેળવીને વધુ આવક મેળવી શકાશે.

(5:17 pm IST)