Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમદાવાદમાં રીક્ષામાં બેસાડીને નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઇઃ મહિલાના પર્સમાંથી 9.32 લાખના દાગીનાની ચોરી કરી હતીઃ 4ની ધરપકડ

અમદાવાદ: મુસાફરોને રીક્ષામા બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. આ ગેંગે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક મહિલાના પર્સમાથી 9.32 લાખના દાગીનાની ચોરી કરી હતી. જોકે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રામોલ પોલીસે સરફરાજ રંગરેજ, ઈલીયાસ શેખ, સલીમખાન પઠાણ અને યુનુસ શેખ નામના ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ચાર આરોપીના ચહેરા ધ્યાનથી જોઈ લેજો અને બીજી વખત તમે જો કોઈ રીક્ષામાં મુસાફરી કરતા હોય તો તમારા કિમતી માલસામાનનું ધ્યાન રાખજો. કારણ કે આ આરોપીઓ  તમારા કિંમતી માલસામાન પર હાથ સાફ કરી ફરાર થઈ જશે. એવો જ એક બનાવ બે દિવસ પહેલા રામોલ વિસ્તારમાં બન્યો હતો. જેમાં આ ચાર આરોપીએ 9.32 લાખના દાગીનાની ચોરી કરી હતી. જે ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ આ તમામ ની ધરપકડ કરી છે

ફરિયાદની વિગત મુજબ આ કેસના ફરિયાદીના દિકરાના લગ્ન લોકડાઉન પહેલા થયા હતાં. અને બાદમાં લોકાડાઉન આવતા પરિવાર દર દાગીના સાથે વતન જતા રહયા હતા. પરંતુ બે દિવસ પહેલા જ્યારે પરિવાર પરત આવતો હતો ત્યારે મહિલાના પર્સમાં આ દાગીના હતા. જે આ 4 આરોપીની ટુકડીએ નજર ચૂકવી પડાવી લીધા હતા. જે અંગે સ્થાનિક રામોલ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો આરોપીની શોધખોળ કરી રહી હતી. તેવામાં ક્રાઈમ બ્રાંચે આ આરોપીની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો બહાર ગામથી આવતા પેસેન્જર ટાર્ગેટ કરી ઓછા ભાડામાં રિક્ષામાં બેસાડે અને ચોર ટોળકી પેસેન્જર નજર ચૂકવી પેસેન્જર દાગીના અને કિંમતી સામાન ચોરી કરી લે છે.

આરોપીની ધરપકડ બાદ પોલીસ એ દિશામા તપાસ શરુ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? કારણ કે રામોલ અને તેની આસપાસના પોલીસ મથકમા પણ આવી જ રીતે રીક્ષાના મુસાફરોના રૂપિયા ચોરી થયા છે. જેથી પોલીસે અન્ય કોઈ ગુના સાથે આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)