Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમદાવાદ રિવરફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ: તરતી જેટ્ટી રિવરફ્રન્ટ પહોંચી

સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ

અમદાવાદ :વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની રહેશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગશે. હાલ સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

સી-પ્લેન પ્રોજેક્ટ મામલે મહત્વના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં સી પ્લેનના વોટર એરોડ્રોમ માટે ખાસ જરૂરી તરતી જેટ્ટી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગઈ છે, આ જેટ્ટી સરદાર બ્રિજ ખાતે પહોંચી ગઈ છે. આ પ્રોજક્ટથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને સારુ બળ મળશે. પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગુજરાતમાં સી પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સી પ્લેન પ્રોજેકટની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ તૈયાર થઈ જતાં હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર આગામી દિવસમાં સી પ્લેન જોવા મળશે

. ગુજરાતના અમદાવાદ, મહેસાણા, કેવડિયા અને પાલીતાણામાં સી પ્લેનને લઈને વોટર એરોડ્રોમ બનાવાશે. વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા ડેમ કેવડિયા, શેત્રુંજય ડેમ પાલીતાણા, ધરોઈ ડેમ અને મહેસાણા બનાવવાની જાહેરાત કરાઈ છે.

(4:34 pm IST)