Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કૃષિ સમૃદ્ધિનો એક જ ઉપાય - પ્રાકૃતિક કૃષિ : આચાર્ય દેવવ્રતજી

માત્ર એક દેશી ગાયની મદદથી જીવામૃત તૈયાર કરીને ખેડૂત આસાનીથી કોઈપણ જાતના ખર્ચ વિના પોતાની ખેતીની જમીનમાં કોઈપણ પાક માટે ખાતર બનાવી સરળતાથી ખેતી કરી શકે છે : પ્રાકૃતિક કૃષિ એટલે ઈશ્વરીય કાર્ય : ડો.સુભાષ પાલેકરજીના અનુભવ અને સિદ્ધાંતના આધારે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન સમજાવે છે આપણા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી

કિસાનને આપણે ધરતીપુત્ર કહીએ છીએ ત્યારે ધરતીપુત્ર તરીકે ધરતીની માવજત કરવાનું કર્તવ્ય કિસાનનું તો ખરૃં જ, સાથોસાથ આપણા સહુનું પણ છે. ધરતી આપણી સૌની માતા છે ત્યારે આપણે સૌ તેના પુત્રો છીએ તેવું આપણી સંસ્કૃતિમાં પ્રબોધાયેલું છે. ધરતીપુત્રનો ધરતી સાથેનો સંબંધ જયારે મુખ્યત્વે કૃષિ સાથે જોડાયેલો છે ત્યારે વૈજ્ઞાનિક અને પ્રકૃતિના તત્ત્વોના આધારે ધરતીનું સંવર્ધન પણ થાય અને તેના સંવર્ધન સાથે ધરતીપુત્ર ઓછામાં ઓછા ખર્ચે મહત્ત્।મ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માત્ર હવે કલ્પના નહીં પણ એક નક્કર વાસ્તવિકતા બની ચૂકી છે.

ઓછામાં ઓછા ખર્ચ સાથે મહત્ત્।મ કૃષિ ઉત્પાદનનો ઉપાય પ્રાકૃતિક ખેતીમાં સમાયેલો છે. આ પ્રાકૃતિક ખેતીમાં આપણા સૌની પ્યારી અને આપણી સંસ્કૃતિમાં જેનું ખૂબ જ મહાત્મ્ય છે તેવી ગૌ માતા કેન્દ્રસ્થાને છે. આપણા રાજયની સદનસીબી છે કે, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ડો. સુભાષ પાલેકરજીમાંથી પ્રેરણા લઈને જયારે તેઓ હિમાચલપ્રદેશના રાજયપાલ હતા ત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આજે ગુજરાતમાં પણ આચાર્ય દેવવ્રતજીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંદેશ પ્રસરાવી આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતી રાજયમાં જનઆંદોલન બની જાય તે દિશામાં નક્કર આયોજન કયું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન પૂરું પાડી ગુજરાત પણ હિમાચલપ્રદેશની જેમ પ્રાકૃતિક ખેતીની દિશામાં દેશનું એક અગ્રેસર રાજય બને તેવા વિચાર સાથે તેઓ સંકલ્પબદ્ધ છે અને આનંદની વાત એ છે કે, ગુજરાતના પ્રયોગશીલ કિસાનો પણ ખૂબ જ ઝડપભેર તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ આગળ વધવા તત્પર બન્યાં છે.

આખરે ઓછા ખર્ચે મહત્ત્।મ કૃષિ ઉત્પાદન આપતી પ્રાકૃતિક ખેતી એટલે શું ? આચાર્ય દેવવ્રતજીએ તેમના હિન્દીમાં લખાયેલ પુસ્તક 'કમ લાગત પ્રાકૃતિક કૃષિ'માં પ્રાકૃતિક કૃષિના તમામ પાસાઓની વિશદ છણાવટ કરીને આ દિશામાં આગળ વધવા માંગતા ધરતીપુત્રોને સારૂ એવું માર્ગદર્શન પુરૃં પાડ્યું છે.

આચાર્ય દેવવ્રતજી ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિ વિશે તેમના પુસ્તકમાં વિસ્તૃત છણાવટ કરી છે તે આપણે અહીં સમજીએઃ તેઓ જણાવે છે કે, આ પદ્ધતિમાં બે પ્રકારના ખાતરો તેયાર કરવામાં આવે છે. તેમાંનું એકનું નામ છે જીવામૃત અને બીજાનું નામ છે ઘનજીવામૃત. માત્ર બે જ પ્રકારના ખાતર. બીજી કોઈ ઝંઝટ નહીં. કદાચ કોઈને એવો વિચાર પણ આવે કે જે માત્ર બે એકરમાં ખેતી કરે છે તે ખેડૂત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરશે ? વાસ્તવિકતા એ છે કે, માત્ર બે એકર જમીનમાં ખેતી કરતા ખેડૂત માટે પ્રાકૃતિક ખેતી વધુ સરળ છે. જીવામૃતનું મુખ્ય ઘટક સમજાવતા તેઓ જણાવે છે કે, આ જીવામૃત બનાવવામાં માત્ર એક દેશી ગાયની જરૂર છે. દેશી પ્રજાતિની કોઈ પણ ગાય. ડો. સુભાષ પાલેકેરે ગાયના ગોબર અને ગૌ મૂત્રના લેબોરેટરીમાં ખૂબ જ પરિક્ષણ કરાવ્યા છે અને આ પરિક્ષણના તારણોમાં જાણવા મળ્યું છે કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જીવાણુંઓ જોવા મળે છે. આ જીવાણુંઓ જમીનની ઉર્વરાશકિતને વધારે છે. પરંતુ કોઈ વિદેશી પ્રજાતિની- જર્સી કે હાસ્ટન ફિજિયન પ્રજાતિની ગાય હોય તો તે ગાયના ગોબરમાં ૭૦ થી ૮૦ લાખ જીવાણું જોવા મળે છે. આ અંતર છે આપણી સ્વદેશી અને વિદેશી ગાયો વચ્ચે ! હવે જે દેશી ગાય દૂધ આપવાનું બંધ કરે છે તેવી ગાયોના ગોબરમાં જીવાણુંઓની સંખ્યા ૩૦૦ - ૫૦૦ કરોડથી પણ વધી જાય છે. કારણ કે, આવી ગાયોમાં જીવાણુંઓની જે તાકાત દૂધ આપવામાં વપરાતી હતી તે બંધ થઈને હવે જીવાણુંની વૃદ્ધિમાં કામ આવે છે.

આચાર્ય દેવવ્રતજી તેમના અનુભવના આધારે જણાવે છે કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાય દ્વારા ૩૦ એકર ભૂમિ પર ખેતી કરી શકાય છે. (સ્થાનિક સંજોગો અને પરિસ્થિતિને કારણે કયાંક કયાંક એક દેશી ગાય દ્વારા એકર દીઠ ખેતીના પ્રમાણમાં થોડોક તફાવત હોઈ શકે છે.) આ તબક્કે તેઓ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તાત્વિક ભેદ પણ સમજાવતા જણાવે છે કે, જૈવિક ખેતીમાં ૩૦ ગાય દ્વારા ૧ એકરમાં ખેતી કરી શકાય છે. શ્રી દેવવ્રતજીના કહેવા મુજબ જૈવિક ખેતી કરતો ખેડૂત ૩૦ ગાય દ્વારા ૧ એકરમાં ખેતી કરે છે જયારે પ્રાકૃતિક પદ્ધતિની ખેતીમાં ૧ દેશી ગાય દ્વારા ૩૦ એકરમાં ખેતી થશે. કેટલો મોટો તફાવત આ બન્ને પદ્ધતિઓમાં છે ? હવે ગાય આધારિત ખેતી માટે ખેડૂતે કરવાનું શું ? તેઓ સમજાવે છે : ૨૦૦ લીટરની ક્ષમતા ધરાવતા એક ડ્રમમાં ૧૮૦ લીટર પાણી ભરો. હવે એક દેશી ગાય દિવસ-રાત સાથે ર૪ કલાકમાં લગભગ ૧૦ કિલો ગોબર અને ૮થી ૧૦ લીટર ગૌ મૂત્ર આપે છે. દેશી ગાયના ગૌ મૂત્રને સંઘરવાનો પણ એક સરળ ઉપાય છે. ગાયને રાખવા માટેનું સ્થાન એટલે કે ગૌ શાળાની જમીનનો ભાગ સીમેન્ટથી પાકો કરી લો અને તેની સપાટી બને તેટલી ખરબચડી રાખવામાં આવે, જેથી કરીને પશુ ચાલતા ફસકી કે લપસી ન જાય. આજે નવી ટેકનોલોજી પ્રમાણે તો પશુઓને રાખવા માટે રબ્બરના ગાદલાં પણ મળતાં હીય છે. ગૌ શાળાની ફર્સ એટલે કે નીચેની સપાટી એક બાજુ ઢોળાવવાળી રાખીએ અને તેના એક ખૂણાને બાલ્ટીના આકારમાં ચણી લઈએ. જેથી કરીને જયારે ગાય ગૌ મૂત્ર કરશે ત્યારે તે ખૂણામાં મૂત્રનો સંગ્રહ થઈ જશે અને સંગ્રહીત ગૌ મૂત્રનો ખેડૂત જરૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકશે. ખેડૂતે કંઈ કરવાની જરૂર જ નહીં, જયારે ગોબર તો નક્કર હોવાથી તે તો ગમે ત્યાંથી મળી જશે.

જીવામૃતમાં પાણી, ગોબર, ગૌ મૂત્ર ઉપરાંત ગોળ, બેસન અને વૃક્ષના મુળીયા પાસેની માટીની જરૂર પડે છે. આ પાંચ દ્રવ્યો દ્વારા જીવામૃત બને છે. જીવામૃત બનાવવામાં દોઢ થી બે કિલો ગોળ, દોઢ થી બે કિલો કોઈ પણ દાળનું બેસન અને કોઈપણ મોટા વૃક્ષની નીચે આસપાસમાં રહેલી એક મુઠ્ઠી માટી ઉમેરીએ એટલે જીવામૃત તેયાર. તેને અગાઉ ૧૮૦ લીટર પાણી ભરેલા ડ્રમમાં આ જીવામૃત લાકડીના ડંડા દ્વારા કલોકવાઈઝ એટલે ઘડિયાળના કાંટાની જેમ સવારે પાંચ મિનિટ અને સાંજે પાંચ મિનિટ દ્રવ્ય મિશ્રણને હલાવતાં રહેવાનું. ખાસ ધ્યાન એ રાખવાનું કે, આ દ્રાવણને છાયંડામાં રાખવું જરૂરી છે. માત્ર ચારથી છ દિવસમાં જ આ રીતે એક એકર માટેનું ખાતર તેયાર થઈ જશે. માત્ર ચાર દિવસમાં જ આવી રીતે ખાતર તૈયાર થઈ જાય તેવું આપણે દુનિયામાં કયાંય જેયું છે ? પરંતુ પ્રાકૃતિક ખેતીમાં આ સંભવ છે. આ જ પદ્ધતિથી પોતાના ખેતરની જરૂરિયાત મુજબનું ખાતર મહિના દરમિયાન તૈયાર થઈ જાય. આ પદ્ધતિથી વર્ષ દરમિયાન ખેડૂતની જરૂરિયાત કરતાં પણ વધુ ખાતરની ઉપલબ્ધી ખેડૂતને થઈ જાય છે. આ છે જીવામૃત બનાવવાની પદ્ધતિ.

આચાર્ય દેવત્રતજીએ ડો. સુભાષ પાલેકરની થીયરી મુજબ જંતુનાશક દવા પણ આ પ્રાકૃતિક પદ્ધતિથી કઈ રીતે બનાવી શકાય તેની સમજ પણ વિસ્તૃત રીતે તેમના પુસ્તકમાં આપી છે. જો કે અનુભવે સમજાયું છે કે, પ્રાકૃતિક ખેતીમાં પાક અથવા કુમળા છોડને નૂકસાન કરતાં જીવાણું ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ જ ઓછી એટલે કે નહિંવત છે, છતાં પણ માનો કે જરૂર પડે તો રાસાયણિક પેસ્ટીસાઈડ (જંતુનાશક દવાઓ)ની જરૂર નથી. પ્રાકૃતિક જંતુનાશક દવા બનાવવાની રીત પણ સરળ છે. તે મુજબ ગોબર અને ગૌ મૂત્ર ઉપરાંત જે તે છોડના પત્ત્।ા, તમાકુ, લસણ, લાલ મરચું વગેરેનો ઉપયોગ તેમાં કરાય છે. આ પ્રકારના ઉત્પાદનમાં મુખ્યત્વે નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર તથા દશાપર્ણી અર્ક છે. આ પ્રકારના દ્રવ્યોમાંથી બનેલ જંતુનાશક ઔષધિનો ખેડૂત જરૂર પડે તો જે તે પાક ઉપર ખેડૂત છંટકાવ કરી શકે છે. આ છંટકાવથી ખેતીને નષ્ઠ કરતાં જીવાણુંઓ આવતાં જ બંધ થઈ જશે. સાથો સાથ બીજી તરફ મિત્ર કીટાણુંઓની સંખ્યા પણ વધી જશે. ખરેખર તો કીટનિયંત્રણનું કામ આપણું નહીં પણ પ્રકૃતિનું છે. પ્રકૃતિએ મિત્રકિટકો બનાવ્યા જ છે જે શત્રુકિટકોનો નાશ કેરે. આ એક પ્રાકૃતિક રચના છે જે આપણે સમજવી જરૂરી છે.

આચાર્ય દેવવ્રતજી કહે છે : પ્રાકૃતિક ખેતીમાં અળસીયું એ મુખ્ય પરિબળ બની જાય છે, જે ખેડૂતનું મિત્ર પણ કહેવાય છે. ખેતરમાં ઉંડે ઉડે રહેલા અળસીયાઓ પર ગાયનું ગોબર નાંખવામાં આવે તો મૃતઃ પાય અવસ્થામાં રહેલા અળસીયાઓ જીવંત બની જશે. કમનસીબે રાસાયણિક ખેતીને કારણે ધરતીમાં રહેલાં અસંખ્ય અળસીયાઓ નષ્ટ થતાં ગયા. બીજી તરફ રાસાયણિક ખાતરના ઉપયોગના પરિણામે જમીન પણ સખત અને બિનઉપજાઉ બનતી ગઈ તો બીજી તરફ માનવી પણ ગંભીર બિમારીઓનો ભોગ બનતો ગયો. ચુરિયા અને ડીએપીના ડર અને તેની ઝેરી અસરોથી અળસીયાઓ આજે જમીનમાં લગભગ ૨૦ ફૂટ ઉંડે ઉતરી જઈ જાણે કે સમાધી અવસ્થામાં બેઠા છે. પરંતુ જો ખેતરમાં ગાયના ગોબર અને ગૌ મૂત્રનો ઉપયોગ શરૂ થશે તો તેની એક આગવી ગંધથી અળસીયાઓ આપોઆપ ઉપર આવીને પોતાનું પ્રાકૃતિક કૃષિ કાર્ય શરૂ કરી દેશે. આચાર્ય દેવતવ્રતજી કહે છે કે, આ જ છે કૃષિનું અસલી પ્રાકૃતિક વિજ્ઞાન.

હવે કહો કે, આ પ્રકારનું ખાતર તૈયાર કરવામાં કોઈ ખર્ચ ખરો ? વાસ્તવિકતા એ છે કે, ખેડૂત માટે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો જ કમરતોડી નાંખે એવો કોઈ મોટો ખર્ચો જ ન હોય તો ખેડૂતને ચિંતા શાની ? હકીકતમાં તો રાસાયણિક ખેતી પદ્ધતિના કારણે જ ખેતીનો ખર્ચ ખેડૂતને પોસાતો નથી. સાથોસાથ રાસાયણિક ખાતરના વધતા જતાં પ્રમાણને કારણે ધરતીની ફળદ્રુપતા-ઉત્પાદનક્ષમતા વર્ષોવર્ષે ઘટતી જવાથી કૃષિ ઉત્પાદન પણ ઘટતું જાય છે ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતને નૂકસાન થવાનું ને થવાનું જ. આ આર્થિક નૂકસાનના જ કારણે ખેડૂત પાયમાલ થઈને દેવામાં ધકેલાતો જાય છે. સરવાળે ખેતી પોષણક્ષમ બનતી નથી એટલે ખેડૂત કે ખેડૂતનો પુત્ર ખેતી છોડી અન્ય ધંધા-રોજગાર તરફ વળી જાય છે, ગામડાં ભાંગતા જાય છે અને શહેરીકરણની સમસ્યા વિકટ બનતી જાય છે. સમગ્ર વિષચક્રનું મૂળ આ જ છે. એટલે જ તો ડો. સુભાષ પાલેકરજી અને આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની દિશામાં અગ્રેસર બનવાની ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે ત્યાર આપણે હવે કોની રાહ જોવાની? આચાર્ય દેવવ્રતજીના મતે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી જ નહીં પરંતુ ઈશ્વરીય કાર્ય છે ત્યારે આ ઈશ્વરીય કાર્ય દ્વારા પૂણ્ય સાથે આપણી કૃષિને સમૃદ્ધ પણ કરીએ.

(આધાર અને સૌજન્ય - આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક કમ લાગત પ્રાકૃતિક કૃષિ)

:: આલેખન ::

અભય રાવલ

મો. ૦૯૮૨૫૪ ૪૫૧૩૦

(11:45 am IST)