Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગુટખા, નિકોટિનયુક્ત પાન મસાલા ઉપર રોક

ગુજરાતમાં એક વર્ષનો પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૨: રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, એમ ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચજી કોશિયા દ્વારા જણાવાયું છે. કોશિયાએ ઉમેર્યું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. કોશિયાએ ઉમેર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરાશે.

(10:03 pm IST)