Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સાબરમતીની જેલમાં ભૂગર્ભ સુરક્ષા માટે ખાસ કેબલ હશે

સુરંગ તો શું જેલમાં ખાડો ખોદાશે તોય ખબર પડશેઃ જેલની સલામતીને વધારે સઘન અને હાઇટેક બનાવવાના હેતુથી નિર્ણય : ખાડો ખોદાશે તો પણ કન્ટ્રોલને જાણ થશે

અમદાવાદ, તા.૧૧: સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાને લઇને અનેક વખત વિવાદોમાં આવી છે તેમાં પણ ખાસ કરીને પાંચ વર્ષ પહેલાં થયેલા સુરંગકાંડને અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ગણવામાં આવી રહ્યો છે ત્યારે સાબરમતી જેલમાં ભૂગર્ભ સુરક્ષાને વધુ અસરકારક અને ફુલપ્રુફ બનાવવા માટે ખાસ પ્રકારના ટનલ વાઇબ્રેશન કેબલ નાંખવામાં આવશે. સાબરમતી જેલની સુરક્ષા અને સલામતીને વધુ સઘન અને હાઇટેક બનાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ નવી સીસ્ટમ અને ટેકનીકનો સૌથી મોટો ફાયદો એ થશે કે, જો કોઇ કેદી દ્વારા જેલમાં સુરંગ કે સામાન્ય ખાડો ખોદવાનો પણ પ્રયત્ન સુધ્ધાં કરવામાં આવશે તો ઉપરોકત કેબલ મારફતે કંટ્રોલ રૂમને તરત જ જાણ થઇ જશે. જેલ સત્તાધીશો છ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી જેલમાં ૧૫ ફૂટ નીચે જમીનમાં ટનલ વાઇબ્રેશન કેબલ નાખશે. આ કેબલની ખાસિયત એ છે કે કોઇ પણ કેદી ભાગવા માટે સુરંગ બનાવાની કોશિશ કરશે તે તેની તમામ જાણ કંટ્રોલ રૂમમાં થઇ જશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરે તે માટે ૪જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પેનિક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યાં છે. કેદીઓ જેલમાં પ્રતિબંધીત ચીજવસ્તુઓ સંતાડીને ના લઇ જાય તે માટે બોડી સ્કેનર મશીન પણ વસાવ્યું છે ત્યારે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરાથી જેલને સજ્જ કરવામાં આવી છે. છ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે. જેમાં ૨૬૦૦ કરતાં વધુ કાચા કામના તેમજ પાકા કામના કેદીઓ છે. સેન્ટ્રલ જેલ અધિક્ષક સહિત ૪૦૦ જેલ સિપાહી, હવાલદાર, સુબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિધિ પર નજર રાખતા હોય છે. ૨૬ જુલાઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આતંકવાદીઓએ વર્ષ ૨૦૧૩માં જેલમાંથી ભાગવા માટે ૨૧૪ ફૂટ લાંબી સુરંગ ખોદી હતી. હાઇસિક્યોરિટી હોવા છતાંય આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આવી ઘટના ફરી બને નહીં અને ખાસ કરીને જેલની ભૂગર્ભ સુરક્ષા માટે જેલમાં જમીનથી અંદર પંદર ફુટ નીચે ટનલ વાઇબ્રેટ કેબલ લગાવવા માટે જેલ સત્તાધીશોએ નિર્ણય લીધો છે. ટનલ વાઇબ્રેશન કેબલની વિશિષ્ટતા એ છે કે જમીનની અંદર ચાલતી કોઇપણ ગતિવિધિની જાણ જેલમાં આવેલા કંટ્રોલ રૂમમાં થઇ શકે છે. ટનલ વાઇબ્રેટ કેબલમાં એક ખાસ પ્રકારનું સેન્સર હોય છે કે કોઇ પણ જગ્યાએ ખાડો ખોદવામાં આવે તો સેન્સર દ્વારા તેની જાણ સીધી કંટ્રોલ રૂમમાં થઇ જાય છે. જમીનથી ૧૫ ફૂટ નીચે આ કેબલ નાખવામાં આવશે. જે કુલ ૩૦ ફૂટનો એરિયા કવર કરશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે અંદાજિત ત્રણ કરોડ રુપિયા ફાળવ્યા છે. જેલના ડીવાયએસપી વી.એચ.ડિંડોરે જણાવ્યું હતું કે, છ કિલોમીટરમાં ફેલાયેલી જેલમાં ટનલ વાઇબ્રેટ કેબલ નાખવાનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. કોઇ પણ કેદી સુરંગ બનાવીને ભાગવાની કોશિશ કરશે તેની જાણ તાત્કાલીક કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગશે. જેલની સુરક્ષા અને સલામતીમાં આ નવતર સીસ્ટમથી અસરકારક વધારો થશે.

 

(10:15 pm IST)