Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સુરતમાં રત્ન કલાકારો-શ્રમિકો પાસેથી રેપીડ ટેસ્ટનો પાલિકાની લેબોરેટરીમાં 750નો ચાર્જ વસુલાશે નહીં

આરોગ્ય રાજ્યમંત્રી અને મ્યુનિ. અધિકારીઓ વચ્ચે બેઠકમાં નિર્ણય: ખાનગી લેબમાં થતો 100 રુપિયા ચાર્જ જે તે વ્યક્તિએ ચુકવવો પડશે

સુરતઃ સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતાં રત્નકલાકારો અને કર્મચારી સહિત શ્રમિકોએ કોરોના ટેસ્ટના 750 ચૂકવવા પડતાં હતા.જેનો ભારે વિરોધ બાદ હવે આ ચાર્જ નહીં વસુલવાનો નિર્ણય લેવાયો છે.  આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી અને સુરત મહાનગરપાલિકા વચ્ચે થયેલી બેઠકમાં  રત્નકલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસેથી રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવે પ્રાઈવેટ લેબમાં કારીગરોના પોતાનો ટેસ્ટ કરાવી શકશે, જોકે તેનો ચાર્જ મહાનગરપાલિકા ચૂકવશે. રજીસ્ટ્રેશનવાળી લેબમાં ટેસ્ટ નો ચાર્જ અંદાજીત 100 રૂપિયા ટેસ્ટ કરાવનારે આપવાનો રહેશે

સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને કારણે સુરત મનપાએ મોટા પાયે રેપીડ ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. જોકે આ ટેસ્ટ માટે પાલિકા તથા ખાનગી લેબ દ્વારા રૂ. 750નો ચાર્જ વસુલવામાં આવતો હતો. આ મુદ્દે છેલ્લા બે ત્રણ દિવસથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં વિરોધ અને રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મુદ્દે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીએ મધ્યસ્થી કરી હતી.

હીરા અને કાપડ ઉદ્યોગમાં કાર્યરત કારીગરોના રેપીડ ટેસ્ટ મુદ્દે સુરત મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી ખાતે આજે એક બેઠક યોજાઈ હતી. જેમાં મેયર ડો. જગદીશ પટેલ, પાલિકા કમિશનર બંછાનિધિ પાની સહિત હીરા ઉદ્યોગના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા.

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મનપાના અધિકારીઓ સાથે કરેલી બેઠક બાદ પાલિકાને સૂચના આપી હતી કે,હાલ આર્થિક સંકડામણથી પીડાઈ રહેલા રત્નકલાકારો પાસે થી રેપીડ ટેસ્ટનો ચાર્જ વસુલવામાં નહીં આવે.  રત્ન કલાકારોને જો રેપીડ ટેસ્ટ કરવો હોય તો પાલિકા મફતમાં કરી આપશે, અને પ્રાઈવેટ લેબમાં પણ હવે રેપિડ ટેસ્ટ કરી શકાશે. જેમાં શ્રમિકો અને રત્ન કલાકારો પ્રાઇવેટ લેબમાં જઈ શકશે. ખાનગી લેબમાં રજિસ્ટ્રેશનના રૂ. 100 આપી રત્નકલાકારો અને શ્રમિકો રેપિડ ટેસ્ટ કરી કરી શકશે. આ ટેસ્ટ માટેની કીટ પાલિકા દ્વારા ખાનગી લેબને આપવામાં આવશે.

આરોગ્યમંત્રી કુમાર કાનાણી એ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન થયું છે, આગામી દિવસોમાં દિવાળી સહિતના તહેવારો છે. ત્યારે હાલ અનલોકમાં ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ધીમે ધીમે શરૂ કરાવવામાં આવી રહ્યા છે. રત્ન કલાકારો અને પરપ્રાંતિય શ્રમિકો પણ વતનથી આવી રહ્યા છે. ત્યારે આર્થિક રીતે લોકોને નુકસાન નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

(7:18 pm IST)