Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સુરતમાં 4 વોર્ડ બોયનો અનોખો સેવાયજ્ઞ :ત્રણ મહિનાથી દરરોજ કોરોના દર્દીઓને પીવડાવે છે સ્વાસ્થ્યવર્ધક ઉકાળો

શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ કોલેજના ચાર વોર્ડ બોયની અનન્ય સેવા

સુરત : ચાર સેવાભાવી સુરતીઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની અનોખી સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ કોલેજના ચાર વોર્ડ બોય તા. 18 મેથી દરરોજ સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઈ કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલાં દર્દીઓને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે.

આ ઉપરાંત, દર્દીઓ ઉપરાંત જેમના પર દર્દીઓને સ્વસ્થ કરવાની મોટી જવાબદારી છે એવાં તબીબો, પેરામેડિકલ સ્ટાફને પણ તેઓ ઉકાળો પીવડાવે છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં વહીવટી કાર્ય સાથે સંકળાયેલાં કર્મચારીઓ પણ રજા લીધા વિના ફરજ બજાવી રહ્યાં હોવાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ ટીમ દરેક વિભાગોમાં ટેબલે-ટેબલે જઈ ઉકાળો પીવડાવે છે. આ ચાર વ્યક્તિઓની ટીમ કોરોના પોઝિટીવ વોર્ડમાં પી.પી.ઈ.કીટ પહેરીને જાય છે અને ઉકાળો  પીવડાવતા સમયે એમની હિંમત વધારે છે. જલ્દી સારા થઈ જશો એમ કહી તેમનું મનોબળ મજબૂત પણ કરે છે.

 

હોસ્પિટલમાં દરરોજ ઉકાળા વિતરણનું સેવાકાર્ય કરતા નિલેશભાઈ રાઠોડ, સતિષભાઈ ગામીત અને અતુલભાઇ સોલંકી અને નિલેશભાઈ ગામીતની ટીમની સેવાની ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ પણ સરાહના કરી રહ્યાં છે.

સેવાકાર્યમાં પ્રમુખ ભૂમિકા નિભાવતા અને અમરોલી વિસ્તારમાં મીરાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં 45 વર્ષીય નિલેશ નગીનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, “છેલ્લાં 25 વર્ષથી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ કોલેજમાં વોર્ડ બોય અને કેર ટેકર તરીકે ફરજ નિભાવી રહ્યો છું. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી અમારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અમારી સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈમ્યુનિટી પાવર વધે અને ઝડપભેર સ્વસ્થ થવામાં સહાયરૂપ થાય એ માટે સ્વાસ્થ્યવર્ધક ઉકાળાની સેવન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી અમારી ચાર સભ્યોની ટીમ ઉકાળાનું વિતરણ કરીને દર્દીઓને સ્વસ્થ કરવામાં યોગદાન આપીએ છીએ. કોવિડ વોર્ડમાં પણ પી.પી.ઈ.કીટ પહેરી દર્દીને ઉકાળો આપીએ છે.”

(4:05 pm IST)