Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : US સિટીઝન્સ સાથે ઠગાઈ કરતું કૉલ સેન્ટર ઝડપ્યું: 4 આરોપીઓની ધરપકડ

ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન બિલ્ડિંગમાં બોગસ કોલ સેન્ટર સૌરભ શર્મા નામનો શખ્સ ચલાવતો હતો

અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે US સિટીઝન્સને લોન આપવાને બહાને ઠગાઇ કરતુ બોગસ કોલ સેન્ટર પર દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન બિલ્ડિંગમાં ઠગાઈનું બોગસ કોલ સેન્ટર સૌરભ શર્મા નામનો શખ્સ ચલાવતો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાયબર સેલના ACP જીતુ યાદવ, PI એમ.એન.દેસાઈ અને PSI જી.આર.ભરવાડએ બાતમીના આધારે ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલા ઈડન બિલ્ડિંગના બી-1203 નંબરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે ઠગાઈ માટે બોગસ કોલ સેન્ટર ચલાવતા આરોપી રાજ ધીરુભાઈ રાઠોડ (ઉં,25) (રહે, કઠવાડા રોડ,અમદાવાદ) અનુરાગ કુશવાહા (ઉં 29 રહે, ગુરુદ્વારા પાસે,ઓઢવ) અજિતસિંઘ રાજપૂત (ઉં,24 રહે, વસ્ત્રાલ) અને મુખ્ય સૂત્રધાર સૌરભ શર્મા (રહે નિકોલ)ની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ (USA Cash Service Loan Center) કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી અમેરિકન નાગરીક સાથે વાત કરતા હતા. આરોપીઓ પોતાનું નામ પણ અમેરિકન નાગરિક જેવું જ આપતા હતા.

આ આરોપીઓ અમેરિકામાંથી વાત કરી રહ્યા છે તેવું બતાવવા માટે EYEBEAM અને 8×8 Virtual office સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. જેથી જે વ્યક્તિના મોબાઈલ પર અમેરિકાનો નંબર દેખાય છે. આથી લોનની ઓફર કરનાર અમેરિકામાંથી બોલી રહ્યો છે તેવું અમેરિકન નાગરિકો સમજતા હતા.

અમેરિકન નાગરિકને વિશ્વાસમાં લઈ આરોપી લોન એપ્રુવ થયાનું જણાવી તેના ખાતામાં નકલી ચેક ક્લિયરિંગ માટે નાખતા હતા. આ રીતે વિશ્વાસ કેળવી ભોગ બનનાર પાસેથી લોન ચાર્જ પેટે ગિફ્ટ કાર્ડ નંબર મેળવી લેતા હતા. જે નંબર આરોપીઓ સૌરભ શર્માને આપતા હતા. આમ લોન કર્યા વગર અમેરિકન નાગરિકના ખાતામાં બોગસ ચેક જમા કરાવી આરોપીઓ લોન ચાર્જની રકમ લઈ ઠગાઈ આચરતા હતા

(3:37 pm IST)