Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ભાજપના નવા પ્રદેશ માળખામાં સૌરાષ્ટ્રમાંથી કોણ ? રાજકીય વર્તુળોમાં ૪-પ નામ ચર્ચામાં

રાજકોટ : સી.આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે નવું માળખું જાહેર થવાની તૈયારી જણાય છે. રાજયના દરેક ઝોનમાંથી એક-એક મહામંત્રી લેવાની પરંપરા છે. જેમાં જ્ઞાતિના સમીકરણો ધ્યાને લેવાતા હોય છે. હાલ મનસુખ માંડવિયા મહામંત્રી છે. તેઓ કેન્દ્રીય મંત્રી હોવાથી નવા માળખામાં તેમનો સમાવેશ ન થાય તે સ્વભાવિક છે.

નવા પ્રદેશ મહામંત્રી તરીકે ધનસુખ ભંડેરી, મુળુભાઇ બેરા અને રાજેશ ચુડાસમાનું નામ ગાજી રહ્યું છે. જેમાં ભંડેરી વર્ષોથી મુખ્યમંત્રી વિજયભાઇના નિકટના સાથી ગણાય છે. હાલ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે. તેની મુદત આવતા ૪-પ મહિનામાં પુરી થઇ રહી છે.  ઉપરાંત મુળ સૌરાષ્ટ્રના પણ હાલ અમદાવાદ સ્થિત ગોરધન ઝડફિયા અને મહેશ કસવાલાનું નામ પણ ચર્ચામાં છે. જો તે પૈકી કોઇને મહામંત્રી બનાવાય તો ભંડેરીને તક ન મળે. સી.આર. પાટીલ સર્વેગ્રાહી માહિતી મેળવી નવી ટીમ બનાવવા અભ્યાસ કરી રહ્યા છે. નવી ટીમ જાહેર થયા પછી તેની રચનામાં કોનો કેટલો પ્રભાવ રહ્યો તે વિચારી શકાશે.

(12:38 pm IST)