Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

આઠમ પૂર્વે સુરતના અમરોલીમાં સોસાયટીમાં જુગાર રમતા 5 મહિલા સહીત 9 શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

સુરત:શ્રાવણ મહિનાની આઠમના દિને જુગાર રમતા અમરોલીની શીરડીધામ સોસાયટીમાંથી 5 મહિલા સહિત 9 અને ઉત્રાણની સુખદેવ રેસીડન્સીમાં 6 જણાને જુગાર રમતા અમરોલી પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 1.13 લાખના મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બાતમીના આધારે અમરોલીના ભગુનગર 1 નજીક શીરડીધામ સોસાયટીના ઘર નં. -36માં રહેતા રત્નકલાકાર જનક જેઠાભાઇ વાળાને ત્યાં દરોડા પાડી પોલીસે જનક ઉપરાંત તેના રત્નકલાકાર મિત્ર ભાવેશ બચુભાઇ જીંજાળા, ફાયનાન્સનો ધંધો કરતા નીરજ મેહુલ બારડ, ગૃહિણી ચંદ્રીકા કાનજી સરાણીયા (ત્રણેય રહે. ભગુનગર સોસાયટી 1, અમરોલી), રત્નકલાકાર હરેશ ફાંટાભાઇ વાળા (રહે. ધૃવ પાર્ક સોસાયટી, ગોડાદરા), સોનલ વજશીભાઇ કંડોરીયા (રહે. સહયોગ પાર્ક સોસાયટી, અમરોલી), માયાબેન શૈલેન્દ્ર ચાવડા, નિલમ નીલેશ નાગર (બંન્ને રહે. સુર્યાંજલી કોમ્પ્લેક્ષ, અમરોલી) અને કાજલ ભાવેશ દરજી (રહે. અભિષેક એપાર્ટમેન્ટ, મગનનગર 2, કતારગામ) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 54,750 અને 8 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ઉત્રાણની સુખદેવ રેસીડન્સીના ઘર નં. 103માં રહેતા રાજુ ભીમજી અલગોતરને ત્યાં દરોડા પાડી હર્ષ બિપીન ખલાસી (રહે. પ્રભુદર્શન એપાર્ટમેન્ટ, અમરોલી), દિવ્યેશ હસમુખ પટેલ તથા વિશાલ દેવીદાસ આધવ (બંન્ને રહે. ગોવિંદપાર્ક સોસાયટી, ઉત્રાણ), વિજય હરીશ પટેલ (રહે. દેવીકૃપા સોસાયટી, ઉત્રાણ) અને દેવાંગ ઉમેશ પટેલ (રહે. મરધીચાલ, અમરોલી) ને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 71,200 અને 7 નંગ મોબાઇલ ફોન મળી રૂા. 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે તમામ વિરૂધ્ધ જુગાર ધારા એક્ટ અને એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:10 am IST)