Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કોરોના ઈફેક્ટ : મંદિરમાં દર્શન બંધ છે તેવા બોર્ડ મંદિર બહાર લાગ્યા : જન્માષ્ટમી નિમિત્તે ભક્તોની ભીડ થતી હોવાથી નિર્ણય

સરકારે દરેક તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ ફરમાવતા બોર્ડ લગાવવા પડ્યા

અમદાવાદ: કાલે જન્માષ્ટમી હોવાથી મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ સર્જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાં સંક્રમણ થતું અટકાવવા સરકાર તરફથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી મંદિરોના સંચાલકોએ  મંદિરની બહાર દર્શન બંધ હોવાના બોર્ડ લટકાવી દીધા છે

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો છે. આ આખાય મહિનામાં દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન માટે ઉમટી પડે છે. તેમાંય ખાસ કરીને જન્માષ્ટમીમાં તો શ્રીકષ્ણ ભગવાનનો જન્મોત્સવ હોવાથી આઠમ અને નોમ બંને દિવસે મંદિરમાં ભક્તજનોની પડાપડી થાય છે. તે જ રીતે મોહરમ ઉપરાંત ગણેશ મહોત્સવ સહિત અન્ય તહેવારો પણ આવે છે. ધાર્મિક તહેવારોમાં ભાવિકોની ભીડ જામે છે. પરંતુ હાલ કોરોના મહામારીમાં ભીડ ભેગી થવાથી સંક્રમણનું જોખમ વધુ રહ્યું હોવાથી સરકારે દરેક તહેવારોની જાહેરમાં ઉજવણી કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

તેના અમલની જવાબદારી દરેક શહેર પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષકને સોંપી છે. જયારે અન્ય વિસ્તારોમાં જિલ્લા મેજીસ્ટ્રેટને સોંપી છે. જેથી તેઓએ પણ આ પ્રતિબંધનો કડકપણે અમલ થાય તે હેતુથી જાહેરનામુ બહાર પાડી દીધાં છે. આ જાહેરનામાને ધ્યાનમાં લઇને જ મંદિરના સંચાલકો દ્રારા પુજારી દ્રારા માત્ર આરતી સિવાય મંદિરો બંધ જ રાખવામાં આવે છે. તેમાંય આવતીકાલ તા. 12મીના રોજ જન્માષ્ટમી નિમિત્તે દર્શન બંધ હોવાની સૂચના દર્શાવતાં બોર્ડ લટકાવી દેવામાં આવ્યા છે.

(9:15 pm IST)