Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રિલિફ રોડ ઉપર આવેલું મૂર્તિમંત કોમ્પ્લેક્સ સીલ

ભારે ભીડના કારણે કોર્પોરેશને સીલ માર્યુ : કેટલાક લોકોએ માસ્ક પણ નહીં પહેર્યા હોવાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા મૂર્તિમંત કોમ્પ્લેક્ષને બંધ કરી દેવાયુ

અમદાવાદ, તા.૧૧ : કાયમ જ્યાં ભીડભાડ જોવા મળતી હોય છે તેવા અમદાવાદના રિલિફ રોડ પર આવેલા જાણીતા મૂર્તિમંત કોમ્પ્લેક્સને બંધ કરાવી દેવામાં આવ્યું છે. આજે કોર્પોરેશનની ટીમ તપાસ કરવા માટે પહોંચી ત્યારે અહીં લોકોની મોટી ભીડ જોવા મળી હતી, અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત, કેટલાક લોકોએ માસ્ક પણ ના પહેર્યું હોવાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા મૂર્તિમંત કોમ્પ્લેક્સને બંધ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ટીમ મોલ્સ માર્કેટ અને જ્યાં ભીડભાડ જોવા મળતી હોય છે તેવા સ્થળોએ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચેકિંગ કરી રહી છે. તાજેતરમાં શહેરના કેટલાક જાણીતા મોલને સીલ મારી દેવામાં આવ્યા હતા.

               આ ઉપરાંત, કેટલીક નાસ્તાની દુકાનો, સલૂનોમાં પણ ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી તેમને સીલ મારી દેવામાં આવ્યા હતા. કોરોનાના પ્રસારને રોકવા માટે તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તો તેમને બંધ કરાવવા સુધીના પણ પગલાં લેવાઈ રહ્યા છે. વળી, આજથી માસ્ક ના પહેરનારા પાસેથી એક હજાર રુપિયાનો ભારે ભરખમ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકોની ભીડ એકઠી ના થાય તે માટે સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના ધાર્મિક પ્રસંગોની જાહેરમાં ઉજવણી કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જન્માષ્ટમીએ દર વર્ષે યોજાતો કૃષ્ણજન્મોત્સવ પણ વખતે અમદાવાદના તમામ મંદિરોએ રદ્દ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં ભરાતા સાતમ-આઠમના મેળાને પણ વખતે મંજૂરી નથી મળી.

(9:07 am IST)