Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સુરત: રૂપિયા 1.68 લાખની સાડી ભરેલ ટેમ્પો ચોરી.....

વડોદરા:રીંગરોડ મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ 2 ના ગેટ નજીકથી અજાણ્યાઓ રૂ.1,68,800ની મત્તાની સાડી ભરેલો ટેમ્પો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાદમાં ટેમ્પો બીજા દિવસે લિંબાયત નીલગીરી સર્કલ પાસે બિનવારસી ખાલી મળી આવ્યો હતો. જ્યારે બીજી ઘટનામાં અભિનંદન ટેક્ષ્ટાઈલ માર્કેટની સામે એક અજાણ્યો ડિલિવરી માટે લારીમાં લાવેલા સાડીના પોટલામાંથી રૂ.46,200ની કિંમતની 100 નંગ સાડી ભરેલું પોટલું ચોરી ફરાર થઈ ગયો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉન પાટીયા રાહત સોસાયટીમાં રહેતો અને રીંગરોડ માર્કેટ વિસ્તારમાં ટેમ્પોમાં ડિલિવરીનું કામ કરતો ફારૂખ યુસુફભાઈ પટેલ ગત 10 મીની બપોરે સાળા ફિરોઝ ઉસ્માન પટેલ સાથે રીંગરોડ મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાંથી 128 નંગ સાડી તેમજ મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ 2 માંથી 360 નંગ સાડી લઈ મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટ 2ના ગેટ નં. 6 પાસે ટેમ્પો પાર્ક કરી માર્કેટમાં અન્ય વેપારીને ત્યાં સાડી લેવા સાળા ફિરોઝ સાથે ગયો હતો. અડધો કલાક બાદ સાળા બનેવી સાડી લઈ પરત ફર્યા ત્યારે ટેમ્પો ત્યાં નજરે ચઢ્યો ન હતો. આજુબાજુ તપાસ કરવા છતાં ટેમ્પો ક્યાંય મળ્યો ન હતો અને બીજા દિવસે સવારે લિંબાયત નીલગીરી સર્કલ નજીક બિનવારસી ખાલી મળી આવ્યો હતો. અજાણ્યાઓ માર્કેટની સામેથી ટેમ્પો ચોરી તેમાંથી રૂ.1,68,800ની મત્તાની 488 નંગ સાડી ચોરી ટેમ્પો છોડી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ ફારૂખે ગત મોડીરાત્રે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી હતી.અન્ય એક બનાવમાં ઘોડદોડ રોડ રત્નશ્યામ રવિધામ કોમ્પલેક્ષમાં રહેતા અને રીંગરોડ શિવકૃપા ટેક્ષ્ટાઈલ માર્કેટમાં રીયોના ફેબ્રિકસના નામે સાડીની દુકાન ધરાવતા ભાવિનભાઈ ધીરૂભાઈ મીઠાવાળાએ ગત ત્રીજીના રોજ બપોરે 700 નંગ સાડીઓ પોટલાંની ડિલિવરી કરતાં ભદ્દી અને મનોજને અભિનંદન માર્કેટમાં વેપારીને ત્યાં ડિલિવરી માટે આપી હતી. બંને એક લારીમાં સાડીના પોટલાં લઈ અભિનંદન માર્કેટ પહોંચ્યા હતા અને માર્કેટની સામે રોડ ઉપર લારી ઊભી રાખી એક એક પોટલાં લઈ જઇ ડિલિવરી કરી હતી.જોકે, બાદમાં જે વેપારીને ડિલીવરી આપી હતી તેણે ફોન કરી ભાવિનભાઈને જણાવ્યું હતું કે 700 સાડીમાંથી 100 સાડી ઓછી છે. આથી ભાવિનભાઈએ અભિનંદન માર્કેટની સામે આવેલા અશોક ટાવર માર્કેટના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક અજાણ્યો લારીમાંથી રૂ.46,200ની કિંમતની સાડીનું પોટલું ચોરી જતો નજરે ચઢ્યો હતો. આ અંગે ભાવિનભાઈએ ગતરોજ અજાણ્યા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે

(5:16 pm IST)