Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અમદાવાદમાં ઘરની દીવાલ પડી જતા એક પરિવારના ચારના મોત

અમદાવાદ: શહેરમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ભારે વરસાદને કારણે બોપલ નજીકના શેલામાં એક બંગલાની દિવાલ તુટી પડતા બાજુના છાપરામાં ઉંઘી રહેલા એક જ પરિવારના ચાર જણાના મોત નીપજ્યા હતા. ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ હટાવ્યો હતો. આ બનાવની વિગત મુજબ ૯ ઓગષ્ટના રોજ મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન રાત્રે સાડા ત્રણ વાગ્યે બોપલ ચોકડી નજીકના શેલામાં નિસર્ગ બંગલોનું કામકાજ ચાલી રહ્યું હતું આ બંગલો મૌલિક ભટ્ટની માલિકીનો છે અને રમેશભાઇ ગજ્જર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે એમ પોલીસે કહ્યું હતુ. દરમિયાન ભારે વરસાદને કારણે બંગલાની મોટી દિવાલ તુટી પડી હતી. જેમાં નજીકમાં ઝુંપડુ બાંધીને રહેતા એક જ પરિવારના ચાર જણા દટાયા હતા. આ અંગે સિક્યુરિટી ગાર્ડ વીરેન્દ્ર રામનારાયણ પંડીતે ફાયર કંટ્રોલને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના કર્મચારીઓ ચાર ગાડીઓ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કાટમાળ હટાવીને ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા એક જ પરિવારના ચાર જણાને બહાર કાઢ્યા હતા. ચારેયને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા.મૃતકોમાં દિનેશભાઈ (૩૫), તેમના પત્ની રમળાબહેન (૩૦), બે વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી પુજાનો સમાવેશ થાય છે.આ અંગે બોપલ પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)