Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રોંગ સાઇડમાં કાર ચલાવી નાસી છૂટેલા પીએસઆઇ બ્રહ્મભટ્ટ અને ડીવાયએસપી જે.એમ.ભરવાડને શોધવા એસીબી ટીમોની ભારે દોડધામ

ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનીક પોલીસ સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમ સતત સંપર્કમાં

રાજકોટ, તા., ૧૨: ગુન્હાહીત કૃત્યમાં રાહત આપવા અને કાગળો હળવા કરવા માટે રૂ. ૩ લાખની લાંચની માંગણી કરી ર લાખ જે તે સમયે રોકડા લીધા બાદ ફરીયાદીની ના છતા ૧ લાખ બાકી રાખ્યા બાદ તેની સતત ઉઘરાણી કરી એ બાકી લાખમાંથી પપ હજાર જતા કરી ધરાર ૪પ હજારની ઉઘરાણી  થતા ફરીયાદીએ ફરીથી રપ હજાર આપી ર૦ હજાર બાકી રહેલ લાંચની રકમ માટે વારંવારની ઉઘરાણીથી કંટાળીને ફરીયાદીએ એસીબીને જાણ કરતા તાજેતરમાં અરવલ્લી પંથકના મોડાસાના પીએસઆઇ કેતન બ્રહ્મભટ્ટ સામે ગોઠવેલ છટકામાં આરોપી પીએસઆઇ રોંગ સાઇડમાં ગાડી ચલાવી નાસી ગયા બાદ હજુ હાથમાં ન આવતા એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ તપાસનીસ અધિકારીની ટીમો દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે.

આની સાથોસાથ હથીયારધારાના એક મામલામાં આરોપી પાસેથી પ્રથમ ૧૦ લાખ અને ત્યાર બાદ ર લાખનું ડીસ્કાઉન્ટ આપ્યા બાદ ૮ લાખની લાંચ પોલીસમેન વિશાલભાઇ સોનારા મારફત સ્વીકારવાનો જેમના પર આરોપ છે તેવા જેતપુરના તત્કાલીન ડીવાયએસપી જે.એમ.ભરવાડને ઝડપવા માટે કચ્છ બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ તથા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આમ છતા તેઓનું લોકેશન મળી આવતું નથી.

અત્રે યાદ રહે કે જેતપુરના વોન્ટેડ ડીવાયએસપી જે.એમ.ભરવાડની રેઢી કાર અમદાવાદમાં હાઇકોર્ટ વિસ્તારના સોલા પોલીસ સ્ટેશન નજીક ટ્રાફીક બ્રાન્ચને રેઢી મળી આવી હતી. આશ્ચર્યજનક રીતે પોલીસને કારમાંથી યુનિફોર્મ અને મોબાઇલ પણ મળી આવ્યા હતા. એસીબી ઉકત બંન્ને કેસમાં સ્થાનીક પોલીસ સાથે સતત સંપર્કમાં છે.

(11:53 am IST)