Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અમદાવાદમાં મોડી સાંજે ભારે વરસાદ, ઘણા વિસ્તારમાં પાણી

શહેરમાં તોફાની પવન સાથે વરસાદ તુટી પડ્યો : અમદાવાદ શહેરમાં હજુ સુધી ૪૪૬ મીમી સુધી વરસાદ

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદમાં મોડી સાંજે ભારે વરસાદ તુટી પડ્યો હતો. દિવસ દરમિયાન વરસાદમાં બ્રેકની સ્થિતિ રહ્યા બાદ મોડી સાંજે વરસાદની શરૂઆત થઈ હતી. જોરદાર વરસાદી ઝાપટાના કારણે ચારેબાજુ રસ્તા ઉપર પાણી આવી ગયા હતા. અમદાવાદ માટે પણ વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી ચુકી છે. અમદાવાદમાં હાલમાં જ અતિભારે વરસાદ થઈ ચુક્યો છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી ૪૪૬ મીમી સુધીનો વરસાદ થઈ ચુક્યો છે. વરસાદી માહોલ આજે મોડી સાંજે એકવાર જામ્યો હતો. અન્ને નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં શુક્રવાર મોડી રાત્રે વરસાદ શરૂ થયા બાદ શનિવાર સુધી અતિભારે વરસાદ થયો હતો. પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જે પૈકી સરખેજ વિસ્તારમાં સૌથી વધુ નવ ઇંચ સુધીનો વરસાદ થયો હતો. આજે મોડી સાંજે ફરીએકવાર તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. આ સિવાય પણ શહેરમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની, રસ્તાઓ તૂટવાની અને વૃક્ષો ધરાશયી થવાની સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઇ હતી. હવામાન વિભાગ દ્વારા તા.૯ ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના ઓઢવ, વટવા, નારોલ, નરોડા,  બાપુનગર, નિકોલ, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ, નારણપુરા, નવરંગપુરા, મેમનગર, સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેને પગલે શહેરના ઝાયડસ ચાર રસ્તા, સોલા ભાગવત, એસ.પી. રિંગ રોડ સહિત અનેક સ્થળોએ લોકોએ વરસાદની મજા માળી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ થયેલી મેઘમહેર દિવસ દરમિયાન બ્રેકની સ્થિતિ રહ્યા બાદ પણ શહેરમાં ચાલુ રહી હતી. આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા. શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગઇકાલે રાતથી લઇ અત્યારસુધી પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  આ સાથે જ અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ૧૮.૩૮ ઇંચ નોંધાયો છે. હવે શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળાની ગંભીર દહેશત પ્રવર્તતી હોઇ અમ્યુકો તંત્ર માટે આરોગ્યવિષયક પગલાં, દવાનો છંટકાવ અને ગરીબ અને જરૂરિયાતમંદ સુધી દવા વિતરણ સહિતની કામગીરી પડકારજનક બની રહેશે. તો, શહેરમાં ભુવા અને ખાડાઓના સામ્રાજયના કારણે વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકજામ અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, તેથી તે અંગે પણ તંત્રએ યુધ્ધના ધોરણે પેચવર્ક અને રીસરફેસીંગની કામગીરી કરવામાં આવે તેવી નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે.

વરસાદની સાથે સાથે...

*    અમદાવાદમાં મોડી સાંજે ફરી એકવાર વરસાદનો દોર

*    અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૪૪૬ મીમી વરસાદ

*    અમદાવાદમાં વરસાદી ઝાપટાનો દોર તેવી આગાહી

*    અમદાવાદમાં પાંચ ઇંચથી વધુ વરસાદ એક દિવસમાં પડ્યા બાદ દિવસમાં ઝરમર વરસાદ પછી મોડી સાંજે ભારે વરસાદ

*    મેમનગર, જીવરાજપાર્ક, વિજય ચાર રસ્તા, સૈજપુર, વાડજ, રન્નાપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ

*    અમદાવાદમાં વરસાદી માહોલને લઈને રવિવારના દિવસે મજા માણી

*    ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનુ જોર ઘડ્યા બાદ તંત્રને આંશિક રાહત થઈ

*    અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહેવાની સંભાવના

(9:34 pm IST)