Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

પેટાચૂંટણીની આઠ બેઠકો પર કોંગ્રેસની જીત થશે : હાર્દિક પટેલ

ખોડલધામમાં હાર્દિક પટેલનો હુંકાર : કોંગ્રેસે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, જે સારી રીતે નિભાવીશ : બેરોજગારીના મુદ્દાઓ ઉપર અવાજ ઉઠાવશે

રાજકોટ, તા. ૧૨ : હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ આજે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા. હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ હાર્દિક પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, જે સારી રીતે નિભાવીશ.  ભાજપ સામે લડવાની શક્તિ મેળવવા માટે આજે માતાજીના આશીર્વાદ લીધા છે. ૨૦૨૨ ની ફાઈનલ મેચ પહેલા પેટાચૂંટણી રૂપે ક્વાર્ટર ફાઈનલ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીએ સેમિફાઈનલ છે. સેમિફાઈનલ અને ફાઈનલ બંન્નેમાં જીતશું. પેટાચૂંટણીની ૮ બેઠકો પર કોંગ્રેસની જીત થશે.

            ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી કોંગ્રેસ જીતશે. મુખ્ય ૫ મુદાઓ ને લઈ ગામડે ગામડે જઈ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. તો આ ઉપરાંત કહ્યું કે, આરોગ્ય, શિક્ષણ, મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારીના ૫ મુખ્ય મુદ્દા સામે અમે અવાજ ઉઠાવીશું. ખેડૂતો અને વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત કરવામાં આવશે. ૨૦૧૫ માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે રીતે કોંગ્રેસ કબજે કરી એ જ રીતે ફરી એક વખત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા ચૂંટણીમાં જંગી બહુમતથી જીતીશું. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ હાર્દિક પટેલ સાથે ખોડલધામમાં હાજર રહ્યા હતા.

(9:40 pm IST)