Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

નર્મદા યોજના સમગ્ર રાજ્યની યોજના : સિંચાઈને પ્રાથમિકતા

નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનું પાણી અપાયું: યોજનાની મુખ્ય કેનાલના ૪૫૮ કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે : નર્મદા નહેરો માટે જમીનનું સંપાદન

અમદાવાદ,તા.૧૨: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, નર્મદા યોજના કોઈ પક્ષ કે સરકારની નહીં સમગ્ર ગુજરાતની યોજના છે અને આ યોજનાની મુખ્ય કેનાલના ૪૫૮ કિ.મીનું કામ ૧૯૯૩માં પૂરું કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા યોજનાના વિવિધ કેનાલોના કામો અંગે મંત્રીએ જણાવ્યું કે, નર્મદાની નહેરો માટે જરૂરી ખેડૂતોની કિંમતી જમીનનું સંપાદન સહમતિથી અને પૂરતું વળતર આપી કરવામાં આવે છે. નર્મદાના કમાન્ડ એરિયામાં સિંચાઈ બાબતે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૧૮ સુધી ૧૮.૪૫ લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવાના લક્ષ્યાંક સામે ૧૬.૫૧ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાથોસાથ વધુ પાણી આવે ત્યારે નદીમાં છોડવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રીએ નર્મદા યોજનાનાં કુલ ખર્ચ બાબતે જણાવ્યું કે, સરદાર સરોવર નર્મદા યોજના પાછળ ૭૦૧૬૭.૫૫  કરોડ ખર્ચ થયો છે, પરંતુ ખર્ચ વધવાનું કારણ જમીનની કિંમતો વધવા સાથે જમીન સંપાદનમાં ખેડૂતોની સંમતિ સાથે અભ્યારણો, ગેસ, ઓઇલ જેવી જરૂરી વિભાગોની મંજૂરી છે. નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવિધ કેનાલોના બાકી કામોની વિગત આપતા જણાવ્યું કે, તારીખઃ૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ નર્મદા યોજનાની શાખા નહેરની અંદાજિત લંબાઇ ૨૭૩૦.૫૮ પૈકી ૧૧૦.૯૮ કિ.મી., વિશાખા નહેરોની અંદાજિત લંબાઈ ૪૫૬૯.૪૧ પૈકી ૨૦૯.૮૨ કિ.મી., પ્રશાખા નહેરોની અંદાજિત લંબાઇ ૧૫૬૬૯.૯૪ પૈકી ૧૬૯૧.૪૪ કિ.મી.  તથા પ્રપ્રશાખા નહેરોની અંદાજિત લંબાઈ ૪૮૩૧૯.૯૪ પૈકી ૮૭૮૩.૫૭  કિ.મી. લંબાઈમાં કામ બાકી છે. બાકી કામના કારણો આપતા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, જમીન સંપાદન, જંગલ- અભયારણ્ય, નહેરો, રેલવે, રસ્તા, ગેસ, ઓઇલ, ટેલિફોન, ઈલેકટ્રીક લાઈન જેવી બાબતોમાં સંબંધિત વિભાગની મંજૂરી મળ્યા બાદ વહેલામાં વહેલી તકે પૂરી કરાશે.  દરમિયાન રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન ગંભીર બીમારી ધરાવતા બાળકો સંદર્ભના પ્રશ્નનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત કોઈપણ પ્રકારની ગંભીર બિમારી ધરાવતા વિદ્યાર્થીઓની રાજ્ય સરકારના ખર્ચે સારવાર કરવામાં આવે છે. આવી સારવાર પૂરી પાડનારૂ ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીના વજન-ઉંચાઇથી માંડીને આંખોની તપાસ, ચશ્માનું વિતરણ એટલું જ નહીં, ટીબી, કેન્સર, હદય સંબંધી બિમારી, લિવર, કિડની જેવી અનેક ગંભીર બિમારી સંદર્ભે સારવાર કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, જન્મથી જ બહેરા મૂંગા બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સારવાર રૂપિયા નવ લાખનો ખર્ચ ભોગવીને રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડે છે. આવી જ રીતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા ૧૦ થી ૨૦ લાખનો ખર્ચ થાય છે. રાજ્ય સરકાર આ સારવાર પણ બાળકોને વિનામૂલ્યે પૂરી પાડે છે.

(9:52 pm IST)