Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

વિક્રમ સારાભાઇ સાયન્સ સેન્ટરની સાથે કરારો થયા

બાળકોને વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ

અમદાવાદ,તા. ૧૨ : બાળકોને વૈજ્ઞાનિક શિક્ષણ માટે કાર્યરત વાહ સંસ્થા દ્વારા ધોળકા તાલુકાની ૭૦ અને હાલોલ તાલુકાની ૧૩૫  સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દત્તક લઇ આ શાળાઓના બાળકોમાં વૈજ્ઞાનિક વલણોનો વિકાસ થાય તે હેતુથી લર્નીંગ બાય ડુઈંગના સિદ્ધાંત અનુસાર બાળકો, જાતે પ્રયોગ કરી પોતાના અનુભવમાંથી શીખે તે હેતુથી વૈજ્ઞાનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત આ ૨૦૫ શાળાઓના લગભગ ૪૫ હજારથી વધારે બાળકો વાહ સંસ્થા દ્વારા અપાયેલ વૈજ્ઞાનિક કીટનો ઉપયોગ કરી વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આવતા પ્રયોગો જાતે કરી અનુભવથી શીખતા થયા છે.

   આ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સંશોધનાત્મક વલણોના વિકાસ જોવા માટે થોડા સમય પહેલાં હાલોલની કલરવ હાઇસ્કુલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને અમદાવાદ બોલાવી વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ બાળકોને અને તેમને તૈયાર કરનાર શિક્ષકોને ૬૦ હજારથી વધારે રકમ તથા એવોર્ડ આપી વાહ સંસ્થાના પાંચમાં ઇન્ક્રેડિબલ જુનિયર સાયન્ટિસ્ટ એવોર્ડ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. વાહ સંસ્થા અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વચ્ચે એક એમઓયુ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં દર મહિનાના બીજા શનિવારે વાહ સંસ્થા દ્વારા સાંજે ૪.૩૦ વાગે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાનમાં રસ પડે તેવી વ્યક્તિઓ માટે દિનેશ ઓ શાહ વ્યાખ્યાનમાળા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

(9:53 pm IST)