Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

મહેસુલ કાયદામાં ઘરખમ ફેરફાર આવશેઃ કમિટીમાં રાજકોટ કલેકટરને સ્થાનઃ ગુજરાતમાં હાલ ૪ પ્રકારની કાયદા

સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાત - કચ્છ અને મધ્ય ગુજરાતમાં અનેક પ્રકારના નવા નિયમો છેઃ જે એક સમાન કરાશેઃકમીટીમાં કુલ ૭ કલેકટર : દર મંગળવારે બેઠકઃ કલેકટર રેમ્યા મોહને અનેક કાયદામાં ફેરફાર માટે દરખાસ્ત કરી દીધી

રાજકોટ તા. ૧૨: ગુજરાત સરકાર  હાલ પ્રર્વતી રહેલા મહેસુલ કાયદામાં ધરખમ ફેરફાર લાવી રહી છે. અને તે માટે બે કમીટી બનાવી છે, એકમાં બે કલેકટર અને બીજી કમીટીમાં ૫ કલેકટર, આ બંન્ને કમીટીમાં રાજકોટ કલેકટરને સ્થાન અપાયુ છે. જે મહત્વની વાત છે.

રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને ઉમેર્યુ હતુ કે કમીટીની દર મંગળવારે મીટીંગ મળી રહી છે. અને તેમના દ્વારા કયા - કયા કાયદામાં - એકટમાં કયા પ્રકારનો ફેરફાર કરવો જરૂરી છે, અને નવો કાયદો સરળીકરણ બની રહે તે માટે શું શું કરવુ જરૂરી છે તે અંગે કમિટીમાં દરખાસ્ત પણ કરી દેવાઇ છે. મીટીંગમાં રેવન્યુ મીનીસ્ટર મુખ્યમંત્રી, મુખ્યસચિવ , રેવન્યુ સચિવ વિગેરે પણ હાજર હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૪ પ્રકારના મહેસુલી કાયદા સેન્ટ્રલવાઇઝ અમલમાં છે.

સૌરાષ્ટ્રમાં ૧૯૫૪નો ઘરખેડ  અને બારખલ્લી કાયદો અમલમાં છે, તો કચ્છમાં ગાયકવાડ સરકારનો બનાવાયેલો મહેસુલી કાયદો ચાલી રહ્યો છે.

જ્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ૭૯ - એએ અને મધ્ય ગુજરાતમાં ગણોતધારા ચાલે છે.

આ બધા કાયદામાંથી સારા સારા એકટ લઇ એક કોમન એકટ બનાવવા માટે ગુજરાત સરકાર અગ્રેસર બની છે અને તે માટે ઉપરમુજબ સાત કલેકટરોની કમિટી બનાવી છે.  જેમાં રાજકોટ  કલેકટરની મહત્વની ભુમિકા રહેશે. કારણકે  તેઓ આ પહેલા કચ્છ - ભૂજ અને નવસારીમાં ફરજ બજાવી ચૂકયા છે.

ધરખમ ફેરફાર આવી રહેલા કાયદામાં સરકાર જમીન ઉપર જે સેંકડોની સંખ્યામાં દબાણો ઉભા છે તે માટે કાયદો  લાવી રહી છે.૬ થી ૮ મહિના પહેલા ઈન્સેટ  મારફત સરકારી જમીનો ઉપરના દબાણો અંગે  સર્વે કરાયેલ, જે ડેટા મળી જતા હવે તે દબાણો  હટાવવા સરકાર કાયદો લાવી રહ્યાનો નિર્દેશ હાઇલેવલ અધીકારીઓ આપી રહ્યા છે.

(3:25 pm IST)