Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અમે સતત કહેતા જ હતા કે હાર્દિકને કોંગ્રેસના આશીર્વાદ

હાર્દિક કોંગીમાં સામેલ થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા : કોંગીના ઇશારે હાર્દિક કામ કરતો હતો : નહેરુ પરિવારના દિકરી પ્રથમવખત આશ્રમમાં આવ્યા તે સમજવા જેવું છે

અમદાવાદ, તા. ૧૨ : પાટીદારોને અનામત અપાવવાના ઇરાદા સાથે આંદોલન કરી પાટીદારોને ગેરમાર્ગે દોરનાર હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં સામેલ થયો હતો. કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખેસ પહેરાવીને હાર્દિકને કોંગ્રેસને એન્ટ્રી અપાવી હતી. ત્યારબાદ આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. નીતિન પટેલે કહ્યું હતું કે, જે હાર્દિક પટેલે ગુજરાતમાં અનામતનો પ્રશ્ન ઉભો કરી ગુજરાતની શાંતિને હચમચાવી મુકી હતી. પોતાની જાતને ભગતસિંહ ગણાવી સમાજ સમક્ષ આગળ ધરી હતી એ વ્યક્તિએ સતત એવું કહ્યું હતું કે, તે કોઇ રાજકીય વ્યક્તિ નથી. પાટીદારોને ઓબીસીને લાભ અપાવવા આવ્યો છે તે વ્યક્તિ હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઇ છે. ગુજરાતની સમરસતામાં ભાગલા પાડવાના પ્રયાસો થયા છે. અનામત આંદોલન શરૂ થયું ત્યારથી જ અમે કહેતા હતા કે, આ વ્યક્તિ પાટીદારોને અનામતનો લાભ કરાવવાના પ્રયાસમાં નથી પરંતુ કોંગ્રેસના છુપા આશીર્વાદથી કોંગ્રેસની આર્થિક મદદથી કોંગ્રેસના ઇશારે કામ કરી રહ્યો છે. કોંગ્રેસના ઇશારે જ હાર્દિક સતત કહેતો હતો કે, હું કોઇને મળીશ નહીં. જ્યારે સરકાર દ્વારા પાટીદારો સાથે સવર્ણો સાથે વાતચીત થઇ ત્યારે હાર્દિકે મળવાની ના પાડી હતી. પાટીદાર સમાજની સંસ્થાઓને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પ્રકારની તમામ બાબતો કોંગ્રેસ પ્રેરિત હતી. હાર્દિકના કારણે શાંતિ ભંગ થઇ હતી અને પોલીસના બળપ્રયોગમાં ૧૪ પાટીદાર યુવાનોના મોત થયા હતા. નીતિન પટેલે પ્રિયંકા ગાંધીના સંદર્ભમાં કહ્યું હતું કે, પ્રિયંકા વાઢેરાએ જાહેરમાં કહ્યું હતું કે, પ્રથમ વખત ગુજરાત અને સાબરમતી આશ્રમમાં આવી છું જે નહેરુ પરિવારે દાયકા સુધી દેશમાં શાસન કર્યું તે નહેરુ પરિવારના દિકરી એક પણ વખત સાબરમતી આશ્રમ આવ્યા નથી તે સમજવા જેવું છે. જે ગાંધી પરિવાર  ગાંધીજીની કોંગ્રેસ છે તેમ કહીને મત માંગે છે તે ગાંધીજીના ઐતિહાસિક સ્થળો ઉપર આવતા નથી.

 

 

(9:21 pm IST)