Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણરીતે પ્રારંભ

બોર્ડની પરીક્ષામાં કુલ ૧૭.૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા : બોર્ડ દ્વારા ૪૨થી વધુ સ્ટેટ સ્કવોડ તૈનાત, પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત : સીસીટીવી મારફતે નજર : તમામે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

અમદાવાદ,તા. ૧૨ : રાજયભરમાં આજથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત્ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલ અને ધમધમાટ જોવા મળ્યો હતો. બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થી અને વાલીઓમાં ઉત્સાહની સાથે સાથે સ્વાભાવિક ચિંતા અને ગભરાહટની લાગણી સાથે ઉત્તેજનાનો માહોલ પણ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આજે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. બોર્ડ અને શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા આજથી શરૃ થયેલી પરીક્ષાઓને લઇ તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. તો શાળાઓ દ્વારા પણ આજે વિદ્યાર્થીઓનું કંકુ-તિલકના ચાંલ્લા લગાવી, હાથમાં ગુલાબના ફુલ અને બોલપેન આપી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શહેર સહિત રાજયના તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરાયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૃ થયેલી પરીક્ષામાં અમદાવાદના ધોરણ-૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૨,૯૭૦ અને વિજ્ઞાનપ્રવાહના ૧૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ સાથે રાજયભરમાંથી ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૭.૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં અપીઅર થયા હતા. બોર્ડની પરીક્ષાઓમાં પ્રથમ દિવસે ધોરણ-૧૦માં પ્રથમ ભાષાની પરીક્ષા લેવાઇ હતી, જયારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ફિઝીક્સ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડના તમામ સેન્ટર એવી શાળાઓ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તથી માંડીને નીરીક્ષક સુધીની વ્યવસ્થા પણ કરાઇ હતી. પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે બોર્ડ દ્વારા ૪૨થી વધુ સ્ટેટ સ્કવોડ તૈનાત કરાઇ હતી. રાજયમાં ૧૫ જિલ્લાને સંવેદનશીલ જાહેર કરાયા હતા, જયારે ૨૫૦ સંવેદનશીલ કેન્દ્રો સહિત ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૫૫૩ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.   બોર્ડની પરીક્ષા માટે પસંદ કરાયેલી મોટાભાગના સેન્ટરો પર સીસીટીવીથી સજ્જ કરાયા હતા, જયારે જે સેન્ટરો પર સીસીટીવી શકય નથી બન્યા ત્યાં ટેબલેટથી વિદ્યાર્થીઓ અને પરીક્ષા પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી હતી. આજથી શરૃ થયેલી બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.  જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ધોરણ-૧૦ના ૭૯ ઝોનમાં કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા હતા અને જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા. જયાં વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા આપી હતી. આ જ પ્રકારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તો, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ -૧૨ વિજ્ઞાનપ્રવાહમાં સૌપ્રથમવાર સેમેસ્ટર સીસ્ટમ દૂર થતાં એન્યુઅલ પેટર્નથી પરીક્ષા લેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આજથી શરૃ થયેલી ધોરણ-૧૦ની પરીક્ષા તા.૨૩ મી માર્ચે પૂર્ણ થાય છે. ધોરણ-૧૨ની વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા ૨૨મી માર્ચે અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૮મી માર્ચના રોજ પૂર્ણ થાય છે. આજથી શરૃ થયેલી બોર્ડની પરીક્ષાઓને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સહેજ ચિંતા અને ગભરાહટની લાગણી સાથે સાથે ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. શાળાઓ દ્વારા પણ આજથી શરૃ થઇ રહેલી બોર્ડની પરીક્ષાને વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ના પડે તે હેતુથી તેમના પીવાના પાણી, સ્ટેશનરી, પ્રાથમિક આરોગ્ય સુવિધા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજથી થઇ રહેલી બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા, પરિવારજનો, સગાવ્હાલા, મિત્રવર્તુળ અને શાળા સંચાલકો, શિક્ષકો-સ્ટાફ તરફથી પણ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા હતા.

(7:39 pm IST)