Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

હાલોલના નવી ભાટમાં ધાબા પર જમવાના બહાને દારૂની મહેફિલ માણતા વડોદરાના 14 નબીરાઓને પોલિસે રંગે હાથે દબોચ્યા

હાલોલ:તાલુકાના નવી ભાટ ગામે જંગલ વિસ્તારમાં રોડ પરના એક દેશી ધાબા પર જમવાની સાથે સાથે દારૂની મહેફિલ માણતા વડોદરા શહેરના ૧૪ નબીરાઓને આર.આર. સેલે ઝડપી પાડયા હતાં. પોલીસે સાડા ચાર લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલ-પાવાગઢના જંગલ વિસ્તારોમાં દેશી ધાબા પર વડોદરા તેમજ આજુબાજુના જિલ્લાઓમાં અનેક લોકો આવતા હોય છે તેઓ ભોજનની સાથે દારૂની મહેફિલ માણી પરત જતા રહે છે. ખાસ કરીને શનિ અને રવિવારની રજા દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ભીડ દેશી ધાબાઓ પર રહેતી હોય છે. નવી ભાટ ગામે એક દેશી ધાબા પર કારમાં આવેલા કેટલાક નબીરાઓ દારૂની મહેફિલ માણે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.

આ દરોડામાં દેશી ધાબાના માલીક ગમાભાઇ અમરસિંહ રાઠવા અને પુનાભાઇ રાઠવા ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતાં. જ્યારે વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર પાલનપુરના રાજુ તડવી તેમજ વડોદરા શહેરથી દારૂની પાર્ટી કરવા આવેલા ૧૪ નબીરાઓ ઝડપાઇ ગયા હતાં. આ નબીરાઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતાં. પોલીસે બે કાર તેમજ દારૂની બોટલો, ટીન સહિત કુલ રૂ.૪.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(6:22 pm IST)