Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : શ્રી રામકૃષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦ મી જન્‍મજયંતીની  ઉજવણીના ભાગરૂપે તા. ૧૨મી જાન્‍યુઆરીને બુધવારના શુભદિને સવારે સ્‍વામી વિવેકાનંદ સ્‍મારક સમડીચોક ખાતે સ્‍વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી રાષ્‍ટ્રીય યુવાદિનની ઉજવણી કરવામાં આવી હતી.
સ્‍વામી વિવેકાનંદ સ્‍મારક ખાતે ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ શાળાના શિક્ષકો, આચાર્યો અને અગ્રણી નગરજનોએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી બાદ ઉપસ્‍થિત સૌને વિવેકાનંદજીના પુસ્‍તકો ભેટ સ્‍વરૂપે અપાયા હતા.
આ પ્રસંગે ડો દોલતભાઈ દેસાઈએ જણાવ્‍યું કે ટ્રસ્‍ટ છેલ્લા ૨૭ વર્ષથી વિવિધ માનવહિતકારી કાર્યો, સામાજિક, ધાર્મિક, સેવાકીય અને ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવી રહેલ છે. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ થાય એ હેતુથી ટ્રસ્‍ટ દ્વારા આદિવાસી વિસ્‍તાર અવલખંડી અને મામભાચા ખાતે હોસ્‍ટેલ પણ કાર્યરત છે
છેલ્લા ૨૭ વર્ષોથી ૧૨મી જાન્‍યુઆરી - રાષ્‍ટ્રીય યુવાદિન સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતી નિમિતે યુવા-સમેલન અને યુવારેલીનું આયોજન થાય છે, પરંતુ  છેલ્લા બે વર્ષથી કોવિડ સંક્રમણને કારણે આવા તમામ જાહેર કાર્યક્રમો ટ્રસ્‍ટે મોકૂફ રાખી ટ્રસ્‍ટે સામાજિક જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરી આજે ઉજવાયેલી આ જન્‍મજયંતી ઉજવણીના પુષ્‍પાંજલિ કાર્યક્રમમાં  ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન  દેસાઈ સહિત તમામ અગ્રણીઓએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. અંતમાં આભારવિધિ ટ્રસ્‍ટી પ્રતિકભાઈ કોટકે આટોપી હતી.

 
(6:21 pm IST)