Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

રાજ્યની ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે નવી પહેલ : મુખ્યમંત્રી રૂપાણીએ લેન્ડ બેંક પોર્ટલ લોન્ચ કર્યું

ઉદ્યોગ સ્થાપવા માટે પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન જમીન શોધવા માટે મદદરૂપ થશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાતે ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે આજે વધુ એક નવતર પહેલ કરી છે. ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક વૈશ્વિક રોકાણકારોને પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન જમીન શોધવા માટે મદદરૂપ થવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું ગાંધીનગરમાં વિજયભાઈ રૂપાણીએ લોન્ચિગ કર્યું હતું.

આ લેન્ડ બેન્ક પોર્ટલની મદદથી વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે સ્થળ અને જમીન પસંદગીની પારદર્શી અને ત્વરિત સુવિધા મળતી થશે. આ પોર્ટલ પર રાજ્યના જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, પ્રાઈવેટ ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઉપલબ્ધ રહેશે. આમ, રૂપાણી સરકારે ઓનલાઈન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક મુકામ હાંસલ કર્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોન્ચ કરેલા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલ દ્વારા રાજ્યમાં જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, પીસીપીઆઈઆર, એસઈઝેડ તેમજ પ્રાઈવેટ ઈન્ડ્સ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઓનલાઈન વન ક્લિક પર પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત ઉદ્યોગ રોકાણકારોને જે-તે સ્થળની આસપાસની ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ જેમાં રેલ, રોડ, એરપોર્ટ, પોર્ટ, પાવર, વોટર અને ગેસ ગ્રીડ નેટવર્ક તેમજ આઈટીઆઈ, શાળાઓ અને હોસ્પિટલ્સ જેવી સુવિધાઓઓની ઉપલબ્ધિની પણ જાણકારી પૂરી પાડવામાં આવશે.

(9:37 pm IST)