Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નહીં : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા થયેલા રૂ. 363 કરોડ ના વિકાસ કાર્યોનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત:ગુજરાતની નવી ટીમ નરેન્દ્રભાઈ અને અમિતભાઇના દિશા-દર્શનમાં બમણા વેગથી આગળ ધપી રહી છે: વિકાસ એ જ અમારી પ્રાથમિકતા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા થયેલા રૂપિયા 363 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે , કોરોના કાળમાં ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી, ધીમી પડી નથી.  તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ  રહ્યા હતા.

 અમિતભાઈ શાહે  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી ગુજરાતની નવી ટીમની પ્રશંસા કરતા કહ્યું  કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં  શહેરી વિકાસ અને વન-પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં નક્કી કરેલા લક્ષ્યાંકોને પાડવા માટે પાર પાડવા માટે ગુજરાતમાં   ભુપેન્દ્રભાઈ અને તેમની નવી ટીમ રાત-દિવસ પરિશ્રમ કરી રહી છે. ગૃહ મંત્રીએ આ તકે અમદાવાદ મહાનગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.
 અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. 113.93 કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને 165.58 કરોડનું ખાતમુહૂર્ત તેમ જ ઔડાના રૂ.  83.51 કરોડના ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ અને ગોતા વોર્ડમાં સ્વીમિંગ પુલ, જિમ્નેશિમય અને ટેનિસ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ થલતેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું, જેના પગલે થલતેજમાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.
 અમિતભાઈએ અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ક્રોસીંગ નં- 20 વસ્ત્રાપુર સ્ટેશન પાસે અંડરપાસ તેમ જ સીમ્સ હોસ્પિટલ ચાર રસ્તા પાસે ફોર લેન ફ્લાય ઓવર બ્રીજને પણ ખુલ્લા મૂક્યા હતા.
આ ઉપરાંત ગોતાના ગામ તળાવ, વેજલપુર વોર્ડમાં આરીસીસ રોડ, જોધપુર વોર્ડમાં નવું હેલ્થ સેન્ટર અને જાસપુર વોટર વર્ક્સ ખાતે 200 એમએલડી ક્ષમતાના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ તબક્કે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર ને સમગ્ર દેશમાં સૌથી વિકસિત અને હરિયાળી બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી.
કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે,  જ્યારે દેશ પાસે દ્રષ્ટીવંત નેતૃત્વ હોય તેના કેવા સારા પરિણામો પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોરોનાકાળમાં એક પણ ગરીબ ભૂખ્યો ન સુએ તેની ચિંતા કરી કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરુ પાડ્યું છે.  
ગૃહમંત્રી તેમના ઉદબોધનમાં  દરેક નાગરિકને કોરોના વિરોધી રસીના બંને ડોઝ લેવાની અપીલ કરતા કહ્યું કે, કોરોના સ્વરૂપ બદલીને આવતો હોય આપણે સાવચેત રહેવું જરૂરી છે અને આ સાવચેતીના પગલા રૂપે જ સૌએ રસીના બંને ડોઝ લેવા જોઈએ. તેમણે ઉમેર્યું કે ,નાગરિકોની જાગૃતિ થકી જ આપણે રસીકરણ નું સો ટકા લક્ષ્યાંક પાર પાડી શકીશું.
 આ અવસરે નગરજનોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, યોજનાઓ સમય કરતા વહેલી પૂરી થાય તે દિશામાં ગુજરાતની નવી ટીમ આગળ વધી રહી છે. સુવિધાસભર અને ઇઝ ઓફ લિવીંગમાં અગ્રેસર, આત્મનિર્ભર નગરો-મહાનગરોના નિર્માણથી આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. અમદાવાદ - ગાંધીનગરમાં કુલ રૂ. 363 કરોડના વિકાસ કામોની ભેટ એ તરફનું વધુ એક કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.  
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસ જ આપણી પ્રાથમિકતા છે. વિકાસનો કોઇ વિકલ્પ નથી. રાજ્યના મહાનગરો સ્વચ્છતા-ડ્રેનેજ, વોટર ટ્રીટમેન્ટ-રિસાયકલીંગ ઓફ વોટરના ક્ષેત્રોમાં વિશ્વના શહેરોની સ્પર્ધા કરે એવી સ્થિતી ઊભી કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની નવી ટીમે નવો ઉમંગ, નવી શક્તિ – જોમ જુસ્સાથી ભાજપાની જનસેવા યાત્રા નરેન્દ્રભાઇ અને અમિતભાઇના દિશાદર્શનમાં બમણા વેગથી આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીની સરકાર, સતત એક પછી એક વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનને આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ભાજપા સરકાર કોરોના મહામારી જેવી અડચણો વચ્ચે પણ એક તરફ લોકોનો ખ્યાલ રાખી રહી છે તો સાથે સાથે વૈશ્વિક સ્તરની ઉત્તમ સુવિધાઓ પણ સતત વધારતી જઇ રહી છે.
ભારતીય જનતા પાર્ટીએ પાછલા બે-અઢી દાયકામાં નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શહેરી સુખાકારી ક્ષેત્રે થ્રી સિક્સ્ટી ડિગ્રી પરિવર્તન લાવી દીધું છે.
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા બે - અઢી દાયકામાં ગુજરાતમાં માર્ગ, વીજળી, પાણી, ગેસ, બ્રોડબેન્ડ કનેક્ટિવીટી જેવી સુવિધાઓનું વિરાટ માળખું રાજ્ય સરકારે રચ્યું છે. ઓનલાઇન સિસ્ટમથી નકશા પ્લાન પાસ કરવા, વેરા બિલ ભરવા જેવી સિટીઝન સેન્ટ્રીક સગવડતાઓ અપનાવી લોકોને નગરપાલિકા-મહાપાલિકાની ઓફિસે આવવું જ ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરી છે.
તેમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, નાણાંના અભાવે કોઇ યોજના અટકી હોય એવી સ્થિતીને ગુજરાતમાંથી દેશવટો આપ્યો છે. આપણે એવું આયોજન કર્યુ છે કે, રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે. ડંકાની ચોટ ઉપર પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે અને એક પણ પાઇ પૈસાના ભ્રષ્ટાચાર વિના થાય તેની ફૂલપ્રૂફ વ્યવસ્થા વિકસાવી છે.
આ અવસરે અમદાવાદના મેયર કિરિટભાઈ પરમાર, ઉદ્યોગમંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમાર,આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ,પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપરાંત ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ તેમ જ અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તેમ જ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(8:28 pm IST)