Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

અમદાવાદમાં મે. ઓમપ્રકાશ ગણપતલાલ એન્‍ડ કાું. દ્વારા યુનિયન બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સાથે રૂ. 10 કરોડની છેતરપિંડી

અમદાવાદઃ શહેરના માધુપુરામાં પેઢી ધરાવતા વેપારીએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ખાતુ ખોલાવ્યુ હતું. થોડા સમય સુધી નિયમિત વ્યવહારો કરીને વેપારી પોતાની પેઢીની કેશ ક્રેડિટ ફેસિલિટી વધારવામાં સફળ રહ્યા હતા. આ ફેસિલિટી મારફતે રૂ. ૭.૫૦ કરોડની લોન મેળવ્યા બાદ તેને પરત કરવાના બદલે ભાગીદારોએ મોર્ગેજ તરીકે મૂકેલી વસ્તુઓ પણ વેચી મારી હતી. નાણાં પરત મળવાની કોઈ શક્યતા નહીં જણાતા બેંક દ્વારા આખરે પેઢીના ચાર ભાગીદારો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર આનંદ બબ્બરે નોંધાવેલી ફરિયાદ મુજબ, માધુપુરાના ફૂલપુરા ખાતે આવેલી મે. ઓમપ્રકાશ ગણપતલાલ એન્ડ કંપની (ભાગીદારી પેઢી)નું બેંક એકાઉન્ટ વર્ષ-2011 ખોલાવવામાં આવ્યુ હતું. ખાદ્યતેલના પેકિંગ અને રીફીલીંગનો ધંધો કરતી આ પેઢીના ભાગીદાર વાસુદેવ ઓમપ્રકાશ મલ્હોત્રા, ભાગીદાર દિપક રાજુ મિશ્રા, ગેરંટર ઓમ પ્રકાશ જી મલ્હોત્રા, પેઢીના વહીવટદાર દિનેશ ઓમપ્રકાશ મલ્હોત્રાએ શરૂઆતમાં રૂ. પાંચ કરોડની કેશ ક્રેડિટ લિમિટ મેળવી હતી. થોડો સમય નિયમિત વ્યવહારો કરીને વર્ષ-2013માં રૂ. 7.5 કરોડની કેશ ક્રેડિટ ફેસિલિટી મંજૂર કરાવવામાં તેઓ સફળ રહ્યા હતા. કેશ ક્રેડિટની સામે પેઢી દ્વારા લોનની પ્રાઈમ સિક્યુરિટી તૈયાર ખાદ્ય તેલનાં ટીન તથા ટેન્કમાં ભરેલા ઓઈલના જથ્થાનું ગોડાઉન, ફેક્ટરી સહિતની મિલકતો મોર્ગેજમાં મૂકવામાં આવી હતી.

પેઢી દ્વારા મુદ્દલ કે વ્યાજ ચૂકવવવામાં આવ્યા ન હતા. જેથી બેંકના અધિકારીઓએ નોટિસો આપી હતી અને 12 વખત રૂબરૂ મુલાકાતો લઈ ઉઘરાણી કરી હતી. પેઢીના ભાગીદારોએ બેંકને પરત ચુકવણીના નામે આપેલા ચેક પણ પરત ફર્યા હતા. આટલું ઓછું હોય તેમ મોર્ગેજમાં મૂકેલા ખાદ્ય તેલના ટીન અને લૂઝ ઓઈલ પણ બારોબાર વેચી મારવામાં આવ્યુ હતું. દિવાળી બાદ નવો માલ ભરવામાં આવશે તેમ કહીને ભાગીદારોએ બેંકના અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હતા. રૂ78.50 કરોડની મુદ્દલ અને વ્યાજ સહિત કુલ રૂ.10.55 કરોડની રકમ પરત મળવાની આશા નહીં જણાતા આખરે બેંક દ્વારા સેકટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મે. ઓમપ્રકાશ ગણપતલાલ એન્ડ કંપની (ભાગીદારી પેઢી)ના ભાગીદરોએ વર્ષ 2011માં યુનિયન બેંકમાં ખાતું ખોલાવ્યું ત્યારે જણાવ્યુ હતું કે, હાલ તેમનું ખાતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની માધુપુરા શાખામાં છે, પરંતુ તે શાખાની સર્વિસ સારી ન હોવાથી એકાઉન્ટ શિફ્ટ કરવું છે. એસબીઆઈ ખાતે ચાલતી રૂ.2.40 સીસી ફેસિલિટીને ટેક ઓવર કરવા અને તેની લિમિટ વધારીને રૂ. પાંચ કરોડ કરવા માટે બેંકને સંમત કરાઈ હતી. બાદમાં બે વર્ષમાં સીસી ફેસિલિટી વધારીને રૂ.7.50 કરોડ કરવાની મંજૂરી પણ લેવાઈ હતી.

(4:59 pm IST)