Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ખેડૂતો હવે તેમની સાથે ક્રૂર મજાકનો બદલો લેવા તૈયાર

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપ પર આકરા પ્રહારો : વડાપ્રધાન મોદી હાર ભાળી ગયા હોઇ ધર્મ તેમજ જાતિ આધારિત રાજકારણનો આશરો લઇ રહ્યા હોવાનો આક્ષેપ

અમદાવાદ, તા.૧૧ : કોંગ્રેસના પ્રતિભાશાળી યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લીધી તે દરમ્યાન તેમણે ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. સિંધિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે કૃષિ વિરોધી નીતિ અપનાવી, તેઓને તેમના પકાના પૂરતા ટેકાના ભાવ પણ નહી આપી રાજયના લાખો ખેડૂતો સાથે ક્રૂરમજાક કરી છે અને તેથી રાજયના લાખો નિર્દોષ ખેડૂતો ભાજપ સરકારે તેમની સાથે કરેલી આ ક્રૂર મજાકનો બદલો આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન મારફતે લેશે. તેમણે મોદી પર સીધુ નિશાન તાક્યું હતું કે, વડાપ્રધાન મોદી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયા હોઇ ધર્મ અને જાતિ આધારિત રાજકરણનો તેઓ આશરો લઇ રહ્યા છે અને પાકિસ્તાનને લઇ ગુજરાતની પ્રજાને ભાવનાત્મક રીતે છેતરી રહ્યા છે. કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આજે મોદી સરકારની કૃષિ વિરોધી નીતિને લઇ દર વર્ષે ૧૨ હજારથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, ગુજરાત કે બિહાર હોય મોદી સરકાર અને ભાજપ દ્વારા યોજનાના ખાલી વાયદાઓ જ થાય છે, તેનું કોઇ અમલીકરણ થતું જ નથી. ખેડૂતોને નથી તો તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા કે, નથી તેમને પાક વીમાની યોગ્ય રકમ ચૂકવાતી. માત્ર બતાવવા ખાતર ક્ષુલ્લક રકમના ચેકો આપી ખેડૂતોની ક્રૂર મજાક ભાજપ સરકાર દ્વારા કરવામા આવી રહી છે પરંતુ રાજયના ખેડૂતો ભાજપની આ ક્રૂર મજાકને ભૂલવાના નથી, તેઓ આ વખતના મતદાનમાં પોતાનો બદલો લેશે.  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકારના શાસનમાં વિકાસ દર ૧૭ ટકાનો હતો અને આજે માંડ ૬.૫ ટકાએ પહોંચ્યો છે. ભાજપના શાસનમાં રાજયના પ્રજાજનોમાં ઉગ્ર આક્રોશ, અસંતોષ અને અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ગુજરાતના પાટીદાર, દલિત સહિતના સમાજો આંદોલન તરફ વળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હવે તેમના ભાષણોમાં ગુજરાત મોડેલ અને વિકાસની વાતો છોડી દીધી છે અને ચૂંટણીમાં હાર ભાળી ગયા હોવાથી ધર્મ અને જાતિ આધારિત તેમ જ વિપક્ષ કોંગ્રેસને ગાળો દેવાનું રાજકારણ ખેલી રહ્યા છે. પરંતુ ભાજપની નીતિરીતિ ગુજરાતની જનતા હવે જાણી ગઇ છે કે, ભાજપનું માત્ર એક જ કામ છે. જૂઠ્ઠુ બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો...ગુજરાતની જનતાને અચ્છે દિન, સચ્ચે દિન જોઇએ છે. વડાપ્રધાન મોદી હવે તેમની પાસે કોઇ મુદ્દાઓ રહ્યા નથી એટલે પાકિસ્તાનને મુદ્દે ગુજરાતની પ્રજાને ભાવનાત્મકરીતે છેતરવાનો પ્રયાસ કરી રહ્યાછે પરંતુ વડાપ્રધાનપદની ગરિમાને આ પ્રકારનું વર્તન છાજતું નથી.

(8:00 pm IST)