Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ભાજપ સંકલ્પપત્રને લઇ ફરિયાદ કરવાની તૈયારી

નર્મદાની કેનાલો હજુ બંધાઇ જ નથી

અમદાવાદ, તા. ૧૧ : લોકશાહી બચાવો અભિયાનના નેતાઓ પ્રો.હેમંતકુમાર શાહ અને મહેશ પંડયાએ જણાવ્યું હતું કે, તા.૯મીએ પ્રથમ તબક્કાનું મતદાન હોવા છતાં અને ૪૮ કલાક પહેલાં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હોવાછતાં ભાજપે તા.૮મીએ તેનો ચૂંટણી ઢંઢેરો(સંકલ્પપત્ર) જાહેર કરી ચૂંટણી આચારસંહિતાના નિયમો અને જોગવાઇઓનો સરેઆમ ભંગ કરાયો છે. આ બહુ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે અને તેથી અમે આગામી દિવસોમાં આ મામલે ભાજપ વિરૂધ્ધ ચૂંટણી આચારસંહિતાના ભંગની ફરિયાદ કરીશું. તેમણે આ સમગ્ર મામલામાં ચૂંટણી પંચ દ્વારા કાયદાનુસાર પગલા લેવાવા જોઇએ તેવી માંગણી પણ કરી હતી.લોકશાહી બચાવો અભિયાનના પ્રો.હેમંતકુમાર શાહ અને મહેશ પંડયાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે, ભાજપ અને વડાપ્રધાન મોદી નર્મદા યોજના પૂર્ણ થઇ ગઇ હોવાના ખોટા દાવાઓ કરી તેની બિનજરૂરી ઉજવણી કરી રહી છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે, આજે પણ રાજયમાં નર્મદા યોજનાની ૪૧ હજાર કિલોમીટરની કેનાલો બંધાઇ જ નથી. હજુ પણ હજારો વિસ્થાપતોના પુનર્વસનનું કામ બાકી છે. એટલું જ નહી, સરકારે ૧૬ લાખ હેકટરમાં સિંચાઇની ખાતરી આપી હતી અને રૂ.૫૧ હજાર કરોડ વાપર્યા તો પણ ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી તેમના ખેતર સુધી મળ્યું નથી, તેમછતાં નર્મદા યોજનાના જૂઠ્ઠાણાં ચલાવી ગુજરાતની જનતાને છેતરી રહી છે પરંતુ પ્રજાએ હવે સાચી વાત સમજી લેવાની જરૂર છે.

(7:53 pm IST)