Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સુરત જિલ્લાના માંડવી નજીક મતદાન પૂર્ણ થતા મહામંત્રી અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે હાથાપાઈ

બારડોલી: સુરત જિલ્લાના માંડવી નગરમાં કન્યાશાળા નજીક શનિવારે મતદાન પૂર્ણ થવા સમયે માંડવી નગર ભાજપના મહામંત્રી અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે ઝઘડો થતાં મારામારી થઇ હતી. પોલીસે બંનેની સામસામે અરજી લીધી હતી. જ્યારે કોંગ્રેસ નગરસેવક વિરૃદ્ધ દારૃ પીધેલાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. માંડવી વિધાનસભા બેઠકનું ગત રોજ મતદાન થતું હતું, તે સમયે માંડવી નગરમાં કન્યાશાળા પાસે દિવસભર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મતદાન માટે મતદારોને લઇ જવા દોડાદોડી કરતા હતા. દરમિયાન મતદાન પૂર્ણ થવા સમયે સાંજના પાંચેક વાગે કોઇક મુદ્દા પર ભાજપના માજી નગરસેવક અને હાલમાં નગર ભાજપ મહામંત્રી શાલીન શુકલની સાથે વોર્ડ નં. ૪ના કોંગ્રેસના નગરસેવક ધર્મેન્દ્ર ચંદ્રકાંત દિક્ષિત (ઉ.વ. ૩૬, રહે. માંડવી મેઇનરોડ, હનુમાનજી મંદિર સામે, તા. માંડવી) વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝપાઝપી બાદ મારામારી થતાં નજીકથી લોકો દોડી જઇ બંનેને છુટા પાડયા હતા. શાલીન શુકલને ઇજા થતાં સારવાર માટે દવાખાને ગયા હતા. જ્યારે સ્થળ પર માંડવી પોલીસ પહોંચતા કોંગ્રેસ નગરસેવક ધર્મેન્દ્ર દીક્ષીત દારૃના નશામાં જણાતા પોલીસ મથકે લઇ ગયા હતા. જમાદાર કાળુભાઇએ ધર્મેન્દ્ર દીક્ષીત વિરૃદ્ધ જાહેરમાં દારૃનો નશો કરી લથડીયા ખાવા સાથે લવારા- બકવાસ કરતો મળી આવવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જો કે, મોડીરાત્રે પોલીસે શાલીન શુકલ અને ધર્મેન્દ્ર દીક્ષીતની મારામારી અંગે સામસામે ફરિયાદ લઇ અરજી આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(2:22 pm IST)