Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અકોટા-દાંડિયાબજાર બ્રિજ પાસે બાઇકચાલકને બચાવવામાં ઇકો કાર પલટાતા છ યુવકો ઘાયલ

વડોદરા:શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પાસે ગત રાત્રે બાઈકચાલકને બચાવવાના પ્રયાસમાં ઈકો કાર પલ્ટી ખાઈ જતા કારમાં બેઠેલા છ યુવકોને ઈજાઓ પહોંચી હતી. પલ્ટી ગયેલી કાર રોડસાઈડમાં પાર્ક અન્ય ત્રણ બાઈક સાથે ભટકાતાં ત્રણેય બાઈકનો પણ ખુડદો બોલાઈ ગયો હતો.

શહેરના આજવારોડ પર ચાચાનહેરુ નગરમાં રહેતો ૨૭ વર્ષીય વિરલ રાઠોડ ફર્નિચર બનાવવાનું કામ કરે છે. ગઈ કાલે રાત્રે સાડા દસ વાગે તેના પાડોશમાં રહેતા કુલદીપ રાજપૂતે તેની ઈકો કારમાં ગેસ ભરાવવા માટે તેની સાથે આવવાનું કહેતાં વિરલ તેમજ તેના ઘર પાસે રહેતા મિત્રો પ્રંયક કલેકર,અજય મોચી,વિક્રાંત ચૈાહાણ અને પ્રગ્નેશ સોલંકી તેની સાથે ગયા હતા.

તેઓ ઈલોરાપાર્કથી ગેસ ભરાવીને અકોટાથી દાંડિયાબજાર તરફ જવા માટે અકોટા-દાંડિયાબજાર બ્રિજ પરથી  નીકળ્યા હતા. તેઓ બ્રીજ ઉતરીને મહારાણી શાંતાદેવી ચારરસ્તા પાસે આવતા જ તેઓની કારની આગળ એક પલ્સરબાઈક ચાલક પુરઝડપે આવ્યો હતો.

તેને બચાવવાના પ્રયાસમાં કારચલાવી રહેલા પ્રગ્નેશે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેણે બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દેતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈને ત્રણ-ચાર પલ્ટી ખાઈને ફૂટપાથની બાજુમાં ઉભેલી બાઈકને અડફેટે લીધા બાદ આગળ જતી અટકી હતી.

આ અકસ્માતમાં કારમાં બેઠેલા તમામ છ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જયારે કારે અડફેટે લેતા કાર સાથે ત્રણ બાઈકનો ખુડદો બોલાઈ ગયો હતો. આ બનાવના પગલે દોડધામ મચી તહી અને ટોળેટોળાં ભેગા થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કારચાલક પ્રગ્નેશ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:22 pm IST)