Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

લગ્નમાંથી પરત આવતી વેળાએ ટીમ્બા નજીક કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા

મહેસાણા:વિસનગરનો પરિવાર સતલાસણાથી  લગ્નમાંથી પરત આવતી વખતે ટીમ્બા નજીક અકસ્માત સર્જોયો હતો. બેફામ ઝડપે આવતી ટ્રકે ઉબેલી કારને ટક્કર મારતા પત્ની, સાળો અને બે માસુમ બાળકોના મોત નિપજ્યા હતા. જયારે એક વ્યકિતને ઇજા થઇ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી. સતલાસણા-અંબાજી હાઈવે પર ક્વોરી ઉદ્યોગના લીધે ડમ્પરો અને ટર્બો ટ્રક ઓવરલોડ માલ ભરી પુરઝડપે દોડી રહ્યા છે અને માર્ગ પર વર્ષમાં એકવાર ગમખ્વાર બનાવ બનવા પામે છે.

જેમાં રવિવારની બપોરના સુમારે  સતલાસણાના ટીમ્બા નજીક એક જય સુરિયા ગામના અને હાલ વિસનગર રહેતો પ્રજાપતિ સમાજનો એક  પરિવાર પોતાની  પત્ની, બે બાળકો અને સબંધી  સાથે સતલાસણામાં  લગ્નનો  જમણવાર પતાવી પરત વિસનગર  જઈ રહ્યા હતા ત્યારે કાર ટીમ્બા નજીક ઉભી રાખી હતી તે દરમિયાન એક ટર્બો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી જોરદાર ટક્કર મારતાં   અકસ્માત સર્જાયો હતો.  કારનો ખુડદો બોલી જવા પામ્યો છે જ્યારે કારમાં સવાર પત્ની, બે બાળકો અને સાળાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પતિનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત સર્જાતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમજ ખેરાલુ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ દેસાઈ પણ દોડી આવી મદદમાં લાગ્યા હતા. સદર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટતી કાર્યવાહી હાથ ધરી ચાર મૃતકોની લાશને સતલાસણા પી.એ.માટે ખસેડવામાં આવી હતી.  આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયાનું જાણવા મળેલ છે.

(2:21 pm IST)