Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વિસનગરમાં મહિલાઓએ રૂપાલાને ઉભી પૂંછડીએ ભગાડયા

૨૦૦ મહિલાઓ થાળી - વેલણ લઇ પાછળ દોડી

અમદાવાદ તા. ૧૧ : મહેસાણા જિલ્લાના વિસનગરમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં મહિલાઓએ થાળી-વેલણ ખખડાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્ટેજ પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા ભાષણ શરૂ કરે તે પહેલાં જ ૨૦૦ જેટલી મહિલાઓએ 'જય સરદાર'ના નારા સાથે થાળી-વેલણ ખખડાવી વિરોધ કર્યો હતો, આથી સ્થિતિને પારખી રૂપાલા ભાષણ કર્યા વિના સભા આટોપી લઈ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ તબક્કાના મતદાન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્ત્।ર ગુજરાતની ૨૮ બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો જોઈને હવે તેમાંથી બચવું ભાજપ માટે મુશ્કેલ જણાય રહ્યું છે.

ચૂંટણી સભા દરમિયાન વિરોધ કરનારી મહિલાઓને અટકાવવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે વિરોધ ચાલુ રાખ્યો હતો અને ત્યાર બાદ પાટીદારો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય પથ્થરમારાની પણ ઘટના બની હતી, જેમાં ભાજપના એક કાર્યકરને માથામાં ઇજા પહોંચી હતી, જેને વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

વિસનગર બેઠક માટે જયારે ઋષિકેશ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયું ત્યારે પણ તેમનો વિરોધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનના એપિસેન્ટર રહેલા વિસનગરમાં આંદોલનની શરૂઆત વખતે પણ ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.

ચૂંટણી સભાનો વિરોધ કરનારા કેટલાક લોકોની અટકાયત કરાઈ હતી. જોકે સમગ્ર ઘટના પર વિસનગર ધારાસભ્યે હાલ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

(12:30 pm IST)