Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમદાવાદમાં લાગ્યું પોસ્ટર, 'અફઝલ કા યાર, દેશ કા ગદ્દાર'

લાગ્યું રાહ ગાંધી - નિઝામીનું પોસ્ટર

અમદાવાદ તા. ૧૧ : ગુજરાતમાં ચૂંટણી ગરમાવો વધતો જ જઇ રહ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને અફઝલ ગુરૂના સપોર્ટર કોંગ્રેસના કથિત નેતા સલમાન નિઝામીનું પોસ્ટર લાગ્યું છે. જેની પર લખ્યું છે કે-, 'અફઝલ કા જો યાર હૈ, વો દેશ કા ગદ્દાર હૈ.' નોંધનીય છે કે વડાપ્રધાને એક દિવસ પહેલા જ નિઝામીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં.

અમદાવાદના મુખ્ય વિસ્તારમાં બનેલા એક બસ સ્ટેન્ડ પર રાહુલ ગાંધી અને સલમાન નિઝામીના પોસ્ટર લાગ્યું છે. પોસ્ટરમાં ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહેલા નિઝામીની રાહુલ ગાંધી સાથે તસવીર જોવા મળે છે. આ સાથે જ નિઝામીની વિવાદિત ટ્વિટ પણ લાગ્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, 'તુમ કિતને અફઝલ મારોગે, હર ઘર સે અફઝલ નિકલેગા' પોસ્ટરમાં ઉપર લખ્યું છે કે, 'અફઝલ કા જો યાર હૈ, વો દેશ કા ગદ્દાર હૈ'. જયારે નીચે સ્પષ્ટ રીતે નિઝામી સાથે તેના કોંગ્રેસ પ્રચારનો પણ ઉલ્લેખ છે. આ પોસ્ટરની નીચે સરદાર પટેલ એકતા સંઘ નામના સંગઠનનું નામ લખેલું છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લુણાવાડાની રેલીમાં સલમાન નિઝામીના નિવેદન દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ પાર્ટીના નેતા સલમાન નિઝામી જે તેમના સ્ટાર પ્રચારક છે. તેઓ મૂળ કશ્મીરના રહેવાસી છે. તેઓ કહે છે કે આઝાદ કશ્મીર જોઇએ. તેઓ કહે છે કે સેના રેપિસ્ટ છે. કોંગ્રેસનો આ યુવા નેતા કહે છે કે ઘર ઘર સે અફઝલ નિકલેગા'

વડાપ્રધાનના આ પ્રહાર પછી નિઝામીએ સ્પષ્ટતા કરી હતી કે મોદીએ તેમના નકલી ટ્વિટનો ઉલ્લેખ કર્યો છે. નિઝામીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર પણ કર્યો છે. પરંતુ તેમના અફઝલના નિવેદનનો ઉલ્લેખ કર્યો તે નકલી છે. તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. તો કોંગ્રેસે એવું કહીને સલમાન નિઝામી સાથે છેડો ફાડ્યો હતો કે તે પાર્ટીનો સભ્ય જ નથી.

(12:29 pm IST)