Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : પીએમ મોદીથી લઈને શાહ,રૂપાણી અને નીતિનભાઈ સહીત 40 નેતા ગજવશે ગુજરાત

પાંચ હેલિકોપ્ટર હાયર કર્યા:દિલ્હી-બેંગ્લોર અને મુંબઈથી કમલમ ખાતે પાંચ હેલિકોપ્ટર લવાયા :કમલમની પાછળ ભાજપ દ્વારા હેલીપેડ તૈયાર

અમદાવાદ :ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. પાર્ટીએ આ પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી દીધી છે. સ્ટાર પ્રચારકોમાં પીએમ મોદીથી લઈને ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, શિવરાજ સિંહ, નિરહુઆ, રવિ કિશન, મનોજ તિવારી, હેમા માલિની, પરેશ રાવલ, વિજયભાઈ  રૂપાણી, નીતિનભાઈ  પટેલના નામ સામેલ છે.

આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક હશે.

આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ અભિનેતા પરેશ રાવલ ઉપરાંત ભોજપુરી ગાયક અને પાર્ટીના સાંસદ મનોજ તિવારી, અભિનેતા-રાજકારણી રવિ કિશન અને ગાયક-રાજકારણી દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ પણ આ યાદીમાં છે

ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે પાંચ હેલિકોપ્ટર હાયર કર્યા છે. દિલ્હી-બેંગ્લોર અને મુંબઈથી કમલમ ખાતે આ પાંચ હેલિકોપ્ટર લાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે કમલમની પાછળ ભાજપ દ્વારા હેલીપેડ તૈયાર કરાયું છે.

(8:45 pm IST)