Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

સામાન્ય ચૂંટણીઓના સંદર્ભે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’ અને ‘‘ઑપિનિયન પોલ’’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

  આ માર્ગદર્શિકા અંતર્ગત આવતીકાલ તા.12.11.2022 ને શનિવારે સવારે 8:00 વાગ્યાથી તા.5.12.2022 ને સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે. ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા તા.10.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત ઑપિનિયન પોલ સંદર્ભે પ્રતિબંધિત આદેશો સ્પષ્ટ કરતાં ભારતના ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ઑપિનિયન પોલ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

(6:57 pm IST)