Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પાર્ટી માટે મેં કરોડો રૂપિયા ખર્ચ કરીને બરબાદ કર્યા, હવે અપક્ષ તરીકે ચૂંટણી લડીશઃ વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્‍તવની સટાસટી

મારા પિતાની ટિકીટ કાપીને ભાજપે અપમાન કર્યુ છેઃ નિલમ શ્રીવાસ્‍તવનો આક્રોશ

વડોદરાઃ વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્‍તવને ભાજપે ટિકીટ ન આપતા હવે વાઘોડીયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેવી જાહેરાત કરતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં કોઈ નેતા હોય તો મધુ શ્રીવાસ્તવ છે. દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ભાજપે ટિકિટ કાપી છે. મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહિ મળતાં તેઓ બાગી થયા છે. તેઓએ નારાજગી સાથએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જેમા તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

મધુ શ્રીવાસ્તવ અપક્ષ લડશે

નારાજગી બાદ મધુ શ્રીવાસ્તવે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મધુ શ્રીવાસ્તવનું દર્દ છલકાયું છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, પાર્ટીએ મને ટિકિટ નહીં આપી અન્યાય કર્યો. પાર્ટી માટે મેં કરોડો રૂપિયા ખર્ચ કરીને બરબાદ કર્યા. ત્યારે હવે કાર્યકર્તાઓની લાગણીને માન આપી હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ.

દીકરીએ ભાજપ પર રોષ ઠાલવ્યો

મધુ શ્રીવાસ્તવની ટીકીટ કપાતા તેમના પરિવારમાં ભારે રોષ જોવામળ્યો. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમની દીકરીએ રોષ વ્યક્ત કર્યો. મધુ શ્રીવાસ્તવના પુત્રી અને ભાજપ નેતા નીલમ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતાની ટિકિટ કાપી ભાજપે અપમાન કર્યું છે. મારા પિતા અપક્ષ ચૂંટણી લડશે અને જીતશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ઉમેદવારોમાંથી મારા પિતાએ 18 ઉમેદવાર જીતાડ્યા છે. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ જીતી શક્યા તો વિધાનસભા કેવી રીતે જીતશે.

મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવની દીકરી પણ ભાજપમાં સક્રિય છે. ભાજપ નેતા અને મધુ શ્રીવાસ્તવની દીકરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા પિતા અપક્ષથી ચૂંટણી લડીને જીતવાના છે, તે નક્કી છે. સાથે જ તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 માંથી 18 ઉમેદવારને મારા પિતાએ જીતાડ્યા હતા. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતમાં ન જીતી શક્યા તો તેઓ વિધાનસભામાં કઈ રીતે જીતી શકશે.

(5:45 pm IST)