Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગુજરાત અને રાજસ્થાન બોર્ડરના જિલ્લાના પોલીસ વડાઓની શામળાજીમાં બેઠક:રખાશે ચાંપતી નજર

બંને રાજ્યના બોર્ડરના જિલ્લાના અધિકારીઓએ ચૂંટણી લક્ષી બોર્ડર પર કરવાની થતી કામગીરી અંગે ચર્ચા કરી

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. બીજા તબક્કા માટે જાહેરનામુ પણ બહાર પડી ચૂક્યુ છે, તો રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરવાની શરુઆત કરી દીધી છે. આ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર ચાંપતી નજર રાખવા માટેનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર વિસ્તારના જિલ્લાઓના એસપી કક્ષાના અધિકારીઓની અરવલ્લીમાં શામળાજીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં બોર્ડર વિસ્તારમાં આ માટેની કાર્યવાહી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

વિધાનસભાની ચૂંટણીઓને લઈ કાયદો અને વ્યવસ્થા તેમજ સલામતિના મુદ્દાઓને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ માટે ચુંટણીમાં લોભ અને લાલચ માટે નાણાકિય હેરફેર કરવામાં ના આવે અને દારુની હેરાફેરી ના થાય એ માટે થઈને ચાંપતી નજર દાખવવા માટેના મુદ્દાઓની પણ ચર્ચા અધિકારીઓએ કરી હતી. ઉત્તર ભારત તરફથી માદક પદાર્થો પણ અવારનવાર રતનપુર ચેકપોસ્ટના રસ્તે ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોય છે. જેને ઝડપી લેવા માટે સતત દેખરેખ રાખવામાં આવે છે.

શામળાજી સ્થિત આરામ ગૃહ ખાતે યોજાયેલ બેઠકમાં સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત રાજસ્થાનના ડુંગરપુર અને ઉદયપુર જિલ્લાના એસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બંને રાજ્યના બોર્ડરના જિલ્લાના અધિકારીઓએ ચૂંટણી લક્ષી બોર્ડર પર કરવાની થતી કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ચુંટણી પંચના તરફથી આંતરરાજ્ય સરહદોની ચેક પોસ્ટ પર કેવા પર પ્રકારે સતર્કતા દાખવવાની છે અંગેની વિસ્તૃત ચર્ચા કરીને તે મુજબ કર્મચારીઓ અને અધિકારીઓ પોલીસ અને ચુંટણી લક્ષી કામગીરી કરતા અધિકારીઓને ગોઠવવામાં આવશે આ ઉપરાંત વિડીયોગ્રાફીની વ્યવસ્થા પણ કરવામાં આવશે

(9:49 pm IST)