Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સુરતના રહેવાસીઓની મદદે ફલાઇટ : બેંગલોર, દિલ્‍હી, કોલકતા ઝડપથી પહોંચાશે

ગો ફર્સ્ટ દ્વારા ફલાઇટ શરૂ કરાઇ

સુરત  :  ડોમેસ્ટીક એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ  દ્વારા આજથી સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરની ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જેના ઉદ્‌ઘાટન સમારોહમાં સુરત એરપોર્ટ ખાતે આજે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ચેમ્બરની એવીએશન્સ/એરપોર્ટ કમિટીના ચેરમેન અતુલ ગુપ્તાએ હાજરી આપી હતી. આજે નવી ફ્લાઈટનું વોટર કેનનથી સેલ્યુટ કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, સુરત એરપોર્ટ ડિરેકટર અમન સૈની અને ગો ફર્સ્ટના અધિકારીના હસ્તે ગો ફર્સ્ટની આજથી શરૂ થયેલી સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરની ફલાઈટ સેવાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્‌ઘાટન સમારોહમાં ગો ફર્સ્ટના મનોજ કુમાર શર્મા (રિજીયોનલ એરપોર્ટ મેનેજર - સાઉથ / વેસ્ટ ઈન્ડિયા એરપોર્ટ), અનિરભ ઘોષ (રિજીયોનલ જનરલ મેનેજર - વેસ્ટ), મનોજ શર્મા (ગુજરાત સેલ્સ મેનેજર) અને વિનોદ રૈના (સ્ટેશન મેનેજર - સુરત) ઉપસ્થિત રહ્યા હતા.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષ 2015થી ગો ફર્સ્ટ (ગો એર)ને સુરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકડાઉનના બે વર્ષ પહેલા પણ ચેમ્બરના જે તે સમયના પદાધિકારીઓએ મુંબઈ ખાતે ગો ફર્સ્ટના અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી અને તેઓની ડોમેસ્ટીક એરલાઈન્સને સુરત લાવવા માટે રજૂઆત કરી હતી.

ગો ફર્સ્ટના અધિકારીઓ સાથે ચેમ્બરમાં પણ ઘણી વખત મિટીંગો યોજાઈ હતી. જેમાં પણ ચેમ્બર દ્વારા સુરત એરપોર્ટથી મળતા ટ્રાફિક અંગે તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ચેમ્બરના અથાગ પ્રયાસોને અંતે આજથી સુરતના નાગરિકોને ડોમેસ્ટીક એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટની ફલાઈટનો લાભ મળ્યો છે.

ગો ફર્સ્ટની દિલ્હીથી મોર્નિંગ ફલાઈટ સવારે 7.40 કલાકે ઉપડશે અને સુરત ખાતે સવારે 9.30 કલાકે આવશે. ત્યારબાદ સુરતથી સવારે 10 કલાકે ટેકઓફ થઈ દિલ્હી ખાતે સવારે 11.45 કલાકે પહોંચશે. કોલકાતાની ફલાઈટ સવારે 10.30 કલાકે ઉપડશે અને સુરત ખાતે બપોરે 1.40 કલાકે આવશે અને ત્યારબાદ સુરતથી બપોરે 2.10 કલાકે ટેકઓફ થઇ સાંજે 4.45 કલાકે કોલકાતા પહોંચશે.

બેંગ્લોરની ફલાઈટ બપોરે 3.30 કલાકે ઉપડશે અને સુરત ખાતે સાંજે 5.40 કલાકે આવશે અને ત્યારબાદ સુરતથી સાંજે 6.10 કલાકે ટેકઓફ થઈ સાંજે 7.55 કલાકે બેંગ્લોર પહોંચશે. આ ઉપરાંત દિલ્હીની ઈવનીંગ ફલાઈટ સાંજે 6.40 કલાકે ઉપડશે અને સુરત ખાતે રાત્રે 8.30 કલાકે આવશે. ત્યારબાદ સુરતથી રાત્રે 9 કલાકે ટેકઓફ થઈ રાત્રે 11 કલાકે દિલ્હી પહોંચશે.

(11:51 pm IST)