Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર “સી” પ્લેન નવા રૂપરંગમાં શરૂ કરાશે અને પ્રવાસીઓને એનો લાભ મળશે: પૂર્ણેશ મોદી

હવે નવા વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ સી પ્લેન નો પણ આનંદ માણી શકશે રાજપીપળા નજીક ભાજપના સ્નેહ મિલન માં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી એ કારી જાહેરાત સી પ્લેનનો વિસ્તાર વધારવા પણ સર્વે હાથ ધરાશે

રાજપીપળા: રાજપીપળા નજીક જીતનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો.એ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર “સી” પ્લેન નવા રૂપરંગમાં શરૂ કરાશે અને પ્રવાસીઓને એનો લાભ મળશે.જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આગામી 5-6 મહિનામાં જ વિધાનસભા ચૂંટણીઓ આવશે.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે રાજપીપળામાં ટૂંક જ સમયમાં એરસ્ટ્રીપનું કામ પણ શરૂ થશે.જયારે કેવડિયા “સી” પ્લેન બાબતે કહ્યું હતું કે કોરોના કાળમાં “સી” પ્લેન બંધ કર્યું હતું પણ હવે નવા રૂપ રંગ સાથે ફરીથી શરુ થશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓને એનો લાભ મળશે.જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એરસ્ટ્રીપ રાજપીપળામાં જ તૈયાર થશે.આવનારા દિવસોમાં તેનું કામ પણ શરુ થઈ જશે.

પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર અને સુરતમાં જ્યાં પાણીનો ભરાવો થાય છે એ કોઝ વે વિસ્તારમાં “સી” પ્લેનની કનેક્ટિવિટી થાય એ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. સુરતથી અમદાવાદ, સૂરતથી રાજકોટ, સુરતથી ભાવનગર, સૂરતથી અમરેલી અને અમદાવાદ-ભુજ-અમદાવાદ વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા માટેની પણ સર્વે કામગીરી ચાલી રહી છે.

રાજકોટ બાદ વડોદરા મહાનગરપાલિકાએ પણ શહેરમાં નોનવેજની લારીઓ 10 દિવસમાં હટાવવાનો નિર્ણય કર્યો છે તો એ બાબતે પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની 8 મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, તો મેયર અને ડે. મેયર પોતાના વિસ્તારની અગવડોના નિવારણ માટે કટીબદ્ધ છે અને એ માટે નિર્ણયો પણ લઈ શકે છે.રાજકોટ બાદ વડોદરા મહાનગરપાલિકાએ લીધેલો નિર્ણય અન્ય મહાનગરપાલિકા પણ લઈ શકે છે.એ પ્રકારનો નિર્ણય ખરેખર આવકારદાયક છે.કારણ નાના રસ્તાઓ પર લારીને લીધે ટ્રાફિકની સમસ્યાઓ પણ વધે છે.

 

(8:44 pm IST)