Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નડિયાદના પશ્ચિમ વિસ્‍તારમાં આવેલ માતૃ છાયા અનાથ આશ્રમની બહાર નવજાત બાળક તરછોડાયેલ હાલતમાં મળ્‍યુઃ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયુ

આશ્રમના સંચાલકો દ્વારા બાળ સુરક્ષા વિભાગ અને પોલીસે જાણ કરાયા બાદ તરછોડનાર વ્‍યકિતઓની શોધખોળ

નડિયાદ: ગુજરાતમાં બાળકોને ત્યજી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ કોઈ ને કોઈ શહેરમાં બાળકોને રસ્તે રઝળતા મૂકી દેવાય છે. જેમાં બાળકીઓનું પ્રમાણ વધુ છે. ત્યારે બુધવારે મોડી રાત્રે નડિયાદમાં અનાથાશ્રમની બહાર નવજાત બાળકને તરછોડાયું છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૉસ્પિટલ ખસેડાયું હતું. બાળકના વાલીની પોલીસ શોધખોળ કરી રહી છે.

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમની બહાર મોડી રાત્રે આ ઘટના બની હતી. મોડી રાત્રે માતૃછાયા અનાથ આશ્રમની બહાર કોઈ નવજાત બાળક મૂકી ગયું હતું. અનાથ આશ્રમની બહાર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બાળક મૂકવામાં આવ્યું હતું, અને તે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે માતૃછાયા સંસ્થાના સંચાલકો દ્વારા પોલીસને જાણ કરીને બાળકને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. કારણ કે, બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકની તબિયત નાજુક છે. બાળકની ઉંમર આશરે દોઢ મહિનાની આસપાસ હોવાનું તબીબોએ જણાવ્યું. નડિયાદ પશ્ચિમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના પીઆઇ બી.પી.પટેલ નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને કોણ મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અનાથ આશ્રમના સંચાલકો દ્વારા બાળ સુરક્ષા વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સમાજમાં આડા સંબંધોનું દૂષણ વધી રહ્યુ છે. આવામાં લોકો પોતાનુ પાપ છુપાવવા માટે પણ આવા માસુમોને જન્મ આપીને ત્યજી દે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આવા કિસ્સા વધી રહ્યાં છે. પણ, આવામાં આ માસુમોનો શું વાંક.

(4:56 pm IST)