Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગાંધીનગરમાં તરછોડાયેલ સ્મિત કોઈના કુટુંબમાં સ્મિત રેલાવશે : દત્તક લેવા શરૂ થશે પ્રક્રિયા

આરોપી પિતા સચિને બાળકને સરેન્ડર કરતા સ્મિતને નવો પરિવાર મળશે : મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાએ આપી માહિતી

અમદાવાદ, તા.૧૧: ગાંધીનગરના પેથાપુરમાં પિતા દ્વારા તરછોડી દેવાયેલા સ્મિત નામના બાળકે આખા ગુજરાતનું મન મોહી લીધુ હતું. તેના માસુમ ચહેરાને જોઈને અનેક લોકોએ તેને દત્તક લેવાની ઈચ્છા વ્યકત કરી હતી. ત્યારે હવે લોકોની આ ઈચ્છા પૂરી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળક સ્મિતને દત્તક લેવાનો માર્ગ મોકળો થયો છે. સ્મિતને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ આપી છે. ત્યારે માસુમ સ્મિત કોના કુળદિપક બનશે તે ચર્ચાનો વિષય છે.

આરોપી પિતા સચિને બાળકને સરેન્ડર કરતા સ્મિતને નવો પરિવાર મળી શકે છે. જાગૃતિ પંડ્યાએ સ્મિત મામલે માહિતી આપી કે, ગાંધીનગરના પેથાપુરમાંથી મળેલા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરાશે. પિતા સચિન દીક્ષિતે બાળકને તેની માતાના સંબંધીઓને સોંપવા ઈન્કાર કર્યો છે. પિતા સચિને બાળકને સરેન્ડર કર્યું છે. તેથી હવે બાળકને દત્તક લઈ શકાશે.પેથાપુરનો બાળકનો કિસ્સો બહુચર્ચિત છે. નવરાત્રિની રાત્રે એક તરફ ગરબા રમાતા હતા, ત્યાં બીજી તરફ બાળકને તેના જ પિતા દ્વારા તરછોડવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર પોલીસે તેના માતાપિતાને શોધવા માટે આકાશપાતળ એક કરી દીધા હતા. આ મામલે ખુલાસો થયો હતો કે, પિતા સચિન દક્ષિતે પહેલા વડોદરામાં પત્નીની હત્યા કરી હતી, અને તેનો મૃતદેહ ફ્લેટમાં જ સંતાડ્યો હતો. તેના બાદ તે સ્મિતને લઈને ગાંધીનગરમાં આવ્યો હતો અને પેથાપુરમાં તેને તરછોડીને ભાગી ગયો હતો. સચિન દિક્ષિતને બીજો પણ પરિવાર હોવાથી તેણે પત્નીની હત્યા કરી હતી.

(3:03 pm IST)