Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમદાવાદની રેસ્ટોરન્ટના તંદુરી વડાપાંઉ અને જમ્બો સમોસા પાંવમાંથી લાલ કીડીઓ નીકળી

શાસ્ત્રીનગર વિસ્તારના જુગાડી અડ્ડા રેસ્ટોરન્ટમાં તંદુરી વડાપાઉં, જમ્બો સમોસા પાવમાંથી લાલ કીડીઓ નીકળી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ

ગાંધીનગર:થોડાં સમય પહેલાં અમદાવાદના શાસ્ત્રીનગર સ્થિત જંકફૂડમાંથી લાકડાંનો ટૂકડો મળી આવ્યો હતો. ત્યાં આ જ શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ જુગાડી અડ્ડા રેસ્ટોરન્ટમાં તંદુરી વડાપાઉં, જમ્બો સમોસા પાવમાંથી લાલ કીડીઓ નીકળી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ કરવામાં આવી છે.

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સૂચિત્રા પાલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ઝોમેટો ઓનલાઇન ડીલીવરી એપ દ્વારા ગઇકાલ તા.10મી ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર સ્થિત જુગાડી અડ્ડા રેસ્ટોરન્ટમાં તંદુરી વડાપાઉં, જમ્બો સમોસા પાવ ફરિયાદી ગ્રાહકે ઓર્ડર આપ્યો હતો. તે બદલ રૂપિયા 184નું બિલ ઓનલાઇન ચુકવ્યું હતું. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે આ ખાદ્ય પદાર્થમાંથી અસંખ્ય પ્રમાણે હરતી-ફરતી જીવતી લાલ કીડી જોવા મળી હતી. જેથી ફરિયાદીએ તેના તાત્કાલિક ફોટા પાડી અને પુરાવા સાથે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાતિમાં ફરિયાદ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, અમોએ આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ફલાઇંગ સ્કવોડના રાકેશભાઇ ગામીતને જાણ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આ અંગે મહેન્દ્રભાઇ પટેલને પણ કરી હતી. તેમના કીધા પ્રમાણે અમે લેખિત ફરિયાદ પણ તેમને મોકલી આપી છે. અગાઉ આ જ વસિત્રની સીઝન 9 રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી સબ્જીમાં લાકડાંનો ટૂકડો મળી આવ્યો હતો. આમ અમારી સમક્ષ હોટલ, રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન હોમ ડીલીવરીમાં ખાદ્ય પદાર્થ ફ્રેશ અને શુધ્ધ નહીં હોવાની અનેક ફરિયાદો મળે છે.

તેમણે વધુમાં આક્ષેપ કરતાં એમ પણ જણાવ્યું હતું કે, ઓનલાઇન હોમ ડીલીવરીમાં ખાદ્ય પદાર્થમાં વંદા, ગરોળી, પીન, વાળ, લાકડાં મળવાની ફરિયાદ હોય છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યાં છે. સરકારી તંત્રએ આ અંગે ઉગ્ર ઝુંબેશ ઉપાડી કાનૂની કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડડ એક્ટ 2006 વાસ્તવમાં કાગળ ઉપર રહી ગયો છે. ગ્રાહકોના જાહેર હીત માટે તમામ ભેળસેળિયાઓ અને નફાખોરી આચરવા સડેલો અને વાસી ખોરાક પધરાવનાર લેભાગુ તત્વો સામે કડક પગલાં ભરવા અને તેમને દંડ કરવા રજૂઆત કરી છે.

(7:30 pm IST)