Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે લીધી જંગલ સફારીપાર્કની મુલાકાત જંગલ સફારીના વિસ્તરણની ચાલી રહેલા કામની સમિક્ષા કરી

રાજપીપળા :કેવડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક(જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન મંત્રી યાદવની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ડાયરેકટર જનરલ સુભાષ ચંદ્રા, કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં એડીશનલ ડાયરેકટર જનરલ (વાઇલ્ડ લાઇફ) સૌમિત્ર દાસગુપ્તા, કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય પ્રાધિકરણનાં સભ્યસચિવ સત્યપ્રકાશ યાદવ, ગુજરાતનાં ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટીકાદાર જોડાયા હતા.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી.ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અને આપવામાં આવી રહેલી ચિકિત્સકીય સારવાર અંગે પૃચ્છા કરી હતી.અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.તેઓ ઇન્ડિયન અને એક્ઝોટિક એવિયરી નિહાળી પ્રભાવિત થયા હતા, તેમજ હાલમાં જંગલ સફારીના વિસ્તરણની ચાલી રહેલા કામની સમિક્ષા કરી હતી .

તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધ્યુ હતુ કે, પ્રધાનમંત્રીજી પ્રેરણાથી પર્યાવરણ મંત્રાલય વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયાસરત છે.કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.જાણકારી, શિક્ષા અને વન્યજીવોના સંરક્ષણ માટે દેશમાં સારા પ્રાણી સંગ્રહાલય વિકસિત થવા જોઈએ.બે દિવસનો રાષ્ટ્રીય સેમીનાર અહીં એ ઉદ્દેશમાં વિકાસ અને સારા પ્રયાસો અને અનુભવોના આદાન પ્રદાન માટે કરવામાં આવ્યો છે.આપણે બધા સાથે મળીને દેશમાં સારા પ્રાણી સંગ્રહાલય વિક્સિત કરીશું એવી શુભકામના.

આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્કના નિયામક ડૉ.રામ રતન નાલા અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સફારી પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે માહિતી આપી હતી સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીની પરિકલ્પના અને સફારી પાર્કનાં નિર્માણ અંગે મંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.

(6:26 pm IST)