Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 'પાણીવાળો' સોમનાથ જિલ્લો : રાજકોટ ત્રીજા ક્રમે

સૌરાષ્ટ્રનો મોસમનો સરેરાશ વરસાદ ૧૧૫ ટકા : મહત્વના આધારરૂપ નર્મદા ડેમમાં ૭૨.૧૩ ટકા જળ જથ્થો

રાજકોટ,તા. ૧૧: ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. કયાંક હજુ અણધાર્યા પલટાતા હવામાનના કારણે વરસાદી માહોલ રહે છે આ વર્ષે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને સિંચાઇ માટે ઉપયોગી ૧૪૧ ડેમો છે તે પૈકી ૭૫ પૂરા ભરાઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે મોસમને સરેરાશ વરસાદ ૧૧૫ ટકાથી વધુ થયો છે. સૌરાષ્ટ્રના એકાદ જિલ્લાને બાદ કરતા એકંદરે જળજથ્થો સંતોષકારક પ્રમાણમાં ઉપલબ્ધ છે.

ગઇ કાલની સ્થિતીએ સૌરાષ્ટ્ર વિભાગમાં કુલ જળ સંગ્રહ ક્ષમતાનું સૌથી વધુ પાણી ગિર સોમનાથ જિલ્લામાં છે. ત્યાંના બધા ડેમોમાં મળીને ૯૯.૩૧ ટકા પાણી ઉપલબ્ધ છે. બીજા ક્રમે ૯૯.૭૧ ટકા સાથે ભાવનગર જિલ્લો આવે છે. ૯૭.૪૬ ટકા જળજથ્થો ધરાવતો રાજકોટ જિલ્લો ત્રીજા ક્રમે છે. પાણીની સૌથી ઓછી ૪૯.૦૮ ટકા ઉપલબ્ધ બોટાદ જિલ્લામાં છે. ઓછા જળ જથ્થાની દ્રષ્ટિએ બીજા ક્રમે સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. ત્યાં ૫૭.૧૧ ટકા પાણી છે. નર્મદા ડેમમાં ૭૨.૧૩ ટકા પાણી છે.

અમૂક વિસ્તારોમાં હજુ વરસાદ રોજ હાજરી પૂરાવે છે. જો ધોધમાર વરસાદ થાય તો હજુ પણ જળસંગ્રહ સ્થાનોમાં પાણીની આવક વધી શકે છે. હાલનું જળ જથ્થાનું આંકડાકીય ચિત્ર અને નર્મદા આધારિત યોજનાનો વિસ્તાર જોતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આવતા ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ જળવાઇ રહેશે. અમુક વિસ્તારોમાં ઉનાળામાં તકલીફ પડશે. પાછોતરા વરસાદથી શિયાળુ પાકને વિસ્તારોમાં ફાયદો થશે. (૨૨.૯)

કયા જિલ્લામાં કેટલા જળ જથ્થો?

અમરેલી    ૮૩.૨૨

બોટાદ      ૪૯.૦૮

દ્વારકા       ૭૦.૬૩

સોમનાથ   ૯૯.૩૧

જામનગર   ૯૫.૮૭

જૂનાગઢ    ૯૬.૮૭

મોરબી      ૮૧.૯૬

પોરબંદર    ૮૦.૦૩

રાજકોટ     ૯૭.૪૬

ભાવનગર   ૯૯.૨૯

સુરેન્દ્રનગર      ૫૭.૧૧

(10:07 am IST)