Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

આવા માનવતાભર્યા દિવસે તાલિબાનોને કોંગ્રેસ જ યાદ કરી શકે છેઃ પરેશ ધાનાણીના તાલિબાનના ટ્‍વિટ અંગે પ્રતિક્રિયા આપતા નીતિનભાઇ પટેલ

કોઇપણ જ્ઞાતિ જો ઓબસીમાં જોડાવા પાત્ર હશે તો તે સંદર્ભે સર્વે કરાશેઃ નાયબ મુખ્‍યમંત્રી

અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારોના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે.

પાટીદારોનો OBCમાં સમાવવા મુદ્દે નીતિન પટેલે કહ્યું કે, હજુ સુધી કોઈ જ્ઞાતિએ આ માટે રજૂઆત નથી કરી. ભારત સરકારે રાજ્ય સરકારોને સત્તા સોંપી છે. ભારત સરકારે પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો ઓબીસી જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો ઓબીસીમાં જોડાવા પાત્ર હશે તો તે સંદર્ભે સર્વે થશે. કોઈ જ્ઞાતિ મંજૂરી માંગશે તો અભ્યાસ કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો તે અંગે નિયમ મુજબ સર્વે થશે. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધીમાં કોઈ પણ જ્ઞાતિએ મંજૂરી માગી નથી. પંચની ભલામણ બાદ સરકાર અભ્યાસ કરશે.

તો બીજી તરફ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે જણાવ્યું કે, આવા માનવતાભર્યા દિવસે તાલિબાનોને કોંગ્રેસ જ યાદ કરી શકે છે. આતંકવાદીઓનો કાળો દિવસ કાળા કૃત્ય કરનારાને કોંગ્રેસના લોકો જ યાદ કર શકે છે. અમે આજના દિવસને તાલિબાનોને યાદ ના કરીએ. ભારતની વિદેશ અને સંરક્ષણ નીતિ સાથે દેશને આગળ વધારવો એ જ નિશ્ચય છે. 9/11 ના દિવસને તાલિબનોને યાદ કરવાની જરૂર નથી. પરેશભાઈના આ નિવેદન ને હું વખોડી કાઢું છું.

પરેશ ધાનાણીની ટ્વીટ

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતી ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની રાહે તાલિબાન.... અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો... અધિકાર સંપૂર્ણ અબાધિત હતો... ગુજરાતના આધુનિક તાલિબાનોએ તો ૨૦ વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે..? ગુજરાત_બચાવો_અભિયાન.

(5:10 pm IST)