Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વાહ ભાઈ વાહ : સુરતમાં 150 રૂપિયાનું પોતું ચોરનાર ત્રણ નબીરાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપ્યા

સીસીટીવી કેમેરાના ફુટેજને આધારે પકડેલા ત્રણે RTI કાર્યકરને હેરાન કરવા પણ ચોરી કર્યાની ચર્ચા

સુરતઃ સુરતમાં રૂપિયા રૂ. 150નું દંડાવાળુ પોતું  ચોરી કરવાની નોંધાયેલી ફરિયાદમાં પોલીસસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજને આધારે પકડેલા ત્રણેય આરોપીઓ સુખીસંપ્પન પરિવારના છે. સરથાણા પોલીસે ચોરીનું કારણ જાણવા સહિતની બાબતોને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસે CCTVમાં કેદ થયેલા આરોપીઓની તપાસ કરી ભરત કાનજી કાનાણી (ઉ.વ.30, ધંધો- જમીન દલાલી રહે. 502 નક્ષત્ર રેસિ. ડિંડોલી, મૂળગામ ભટવદ તા. લાઠી, જિ. અમરેલી), કલ્પેશ વશરામ તેજાણી (ઉ.વ.આ.29, ધંધો- એમ્બ્રોઈડરી, રહે.19 સાંઈ બંગ્લોઝ સુદામા ચોક મોટા વરાછા મૂળ ગામ જાળીયા તા. ઉમરાળા, જિ. ભાવનગર) અને વિજ્ઞેશ ઉર્ફે ભાણો ભોળા માંગુકીયા (ઉ.વ.26,  ધંધો-હીરા દલાલી રહે. ડી. 201 એમ્બેવેલી રેસિ. ઉતરાણ મોટા વરાછા મૂળગામ ઘેટી તા. પાલિતાણા જિ. ભાવનગર)ની ધરપકડ કરી છે

સુરતના સરથાણા પોલીસ મથકમાં ઉત્રાણ વિસ્તારના સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ પોતાની ઓફિસમાંથી 150 રૂપિયાનું પોતું ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. જનકભાઈની સહજાનંદ બિઝનેસ હબમાં ઓફિસ છે. તેમને ઓફિસના કાચના પાર્ટીશનની બહાર ડંડાવાળુ પોતું મુક્યું હતું

 

ચોથી તારીખે જનકભાઈના સાળા કેવલભાઈ ક્યાડા દરવાજો બંધ કરી કોઈ કામ માટે બહાર ગયા હતા. પોતાનું કામ પતાવી સાંજે ઓફિસે પરત ફર્યા હતાં. કેવલભાઈએ ઓફિસમાં મુકેલુ ડંડાવાળુ પોતું દેખાયું ન હતું. ઓફિસ પાસે પોતું શોધ્યું હતું પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે. જેથી જનકભાઈને જાણ થતાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતાં. જેમાં મોપેડ પર આવેલા બે યુવકો પૈકી એક પોતું લઇને જઈ રહ્યો હોવાનું દેખાય છે. જેથી જનકભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તપાસમાં ત્રણેયનું કહેવું છે કે તેમની કોઈ વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી, જેથી તેને મારવા માટે હથિયારની જરુર હતી, જેથી જનકભાઈની ઓફીસ બહાર પડેલ પોતું લઈ જઈ તેના વડે મારામારી કરવાના હતાં. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે જનકભાઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જેને હેરાન કરવા માટે પોતું ચોરવામાં આવ્યું હતું. ત્યારે સાચું શું તે તપાસવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(6:45 pm IST)